ભુજ, તા. 30 : અદાણી મેડિકલ કોલેજ અને ગેઈમ્સ
કચ્છની આરોગ્ય સેવાનું હૃદય બની ગયું છે. અહીંથી દર વર્ષે તૈયાર થતા 150 યુવા એમબીબીએસ અને 100 જેટલા એમ.એસ. તથા એમ.ડી. કક્ષાના
પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સ માત્ર ડિગ્રી લઈને નથી નીકળતા, પણ એમની સાથે ધડકે છે સેવાના સંસ્કાર. સ્ટેથોસ્કોપ
કાને લગાડીને ડોક્ટર માત્ર ધબકારા નથી સાંભળતા, તેઓ સાંભળે છે
દર્દીનો વિશ્વાસ અને એ વિશ્વાસ સાચવવાની જવાબદારી અદાણી મેડિકલ કોલેજ છેલ્લાં 17 વર્ષથી નિભાવી રહ્યું છે. વર્ષ
2009થી ગેઈમ્સમાં ડોક્ટર અને ત્યાર
પછી પોસ્ટ ગ્રેજ્યુયેટ ડોક્ટર તૈયાર કરવાની જવાબદારી સ્વીકારી અને અત્યાર સુધી આ બંને
મળીને કુલ 1883 ડોક્ટર કચ્છને આ મેડિકલ કોલેજે
આપ્યા છે તેવું એક યાદીમાં જણાવાયું હતું. તબીબોમાં 1643 એમબીબીએસ અને 240 એમએસ અને એમડી તેમજ અન્ય વિભાગો
જેમ કે, ઓર્થો, ઓપ્થલ જેવા બીજા
વિભાગોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આગામી દિવસોમાં જ્યારે સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમ
શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અદાણી મેડિકલ કોલેજ પણ
તેમાં પદાર્પણ કરી કચ્છમાં તબીબી સેવા ક્ષેત્રે નવા સોપાન સર કરશે અને ડોક્ટરની આવશ્યક જરૂરિયાત
સંતોષી શકશે. એમ મેડિકલ ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હીરાણી અને ડીન ડો. અજિતકુમાર ખીલનાનીએ
જણાવ્યું હતું.