• બુધવાર, 01 જુલાઈ, 2026

મેઘવર્ષા ઝંખતા કચ્છીઓ બફારાથી બેહાલ

ભુજ, તા. 30 : જેઠ માસ અડધો વીતવા છતાં કચ્છમાં હજુ વરસાદની પધરામણી થઇ નથી. મેઘવર્ષા ઝંખતા કચ્છી માડુઓ હાલ તો બફારાથી બેહાલ જોવા મળી રહ્યા છે. તાપ-ઉકળાટના માહોલ વચ્ચે હવામાન વિભાગે બીજી જુલાઇથી હળવો-મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરતાં હવે ચોમાસું ગતિ પકડે તેવી આશા જાગી છે. હવામાન વિભાગે જારી કરેલા વર્તારામાં બેથી સાત જુલાઇ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. કંડલા (એ.)માં 39.6, ભુજમાં 37.8 અને કંડલા પોર્ટમાં 39 ડિગ્રીએ તાપ-ઉકળાટ અનુભવાયા હતા. સરેરાશ 12થી 15 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને ધૂળની ડમરીઓ ઉડાવી હતી. હવામાન નિષ્ણાતોના મતે અરબી સમુદ્ર સક્રિય થઇ રહ્યો છે, તો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાય તેની અસર તળે જુલાઇના પ્રથમ પખવાડિયા સુધી રાજ્યની સાથે કચ્છમાં વાવણીલાયક વરસાદ વરસી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે પાંચમી જુલાઇ સુધી ગુજરાત રાજ્યને કવર કરી લે તેવી શક્યતા દેખાડી છે. 

Panchang

dd