આધુનિક સમયમાં શિક્ષણના વૈશ્વિકીકરણનો પ્રવાહ સતત પ્રચલિત બની
રહ્યો છે. દુનિયાના શ્રેષ્ઠ અભ્યાસક્રમો અને
શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ યુવાનોને સતત આકર્ષતા રહ્યા છે. આ જ કારણ છે કે, ભારતના લાખો યુવા વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે
વિદેશીની વાટ પકડતા થયા છે. હવે આવા વિદ્યાર્થીઓને ઘરઆંગણે દુનિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના
શિક્ષણ માળખાંનો લાભ મળે તે માટેનો માર્ગ મોકળો બન્યો છે. કેન્દ્ર સરકારે દુનિયાના
1પ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીને ભારતમાં તેમના
કેમ્પસ ખોલવાની મજૂરી આપી છે. આ માત્ર એક વહીવટી નિર્ણય નથી, પણ દેશના ઉચ્ચ શિક્ષણ માટે એક નવા યુગની શરૂઆત
છે. પોતાના સંતાનોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અપાવવા ભારે ખર્ચ કરતા વાલીઓ માટે રાહતરૂપ
નવી વ્યવસ્થાથી ભારતને ઉચ્ચ શિક્ષણના નવા કેન્દ્ર વિકસાવવામાં મદદ મળશે એવી આશા રખાઈ
રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સરેરાશ 80 લાખથી એક કરોડ જેટલો ખર્ચ એક
વિદ્યાર્થીને થતો હોય છે. આવામાં ઘરઆંગણે કેમ્પસ
ઉપલબ્ધ થતાં દેશના વિદેશી હૂંડિયામણની પણ મોટાપાયે બચત થઈ શકશે. સરકારે જે વિદેશી યુનિવર્સિટીઓને
દેશમાં કેમ્પસ ખોલવાની મંજૂરી આપી છે, તેમાં યુનિ. ઓફ એબર્ડીન, યોર્ક, બ્રિસ્ટલ, લિવરપુલ, ઈલીનીઈસ ટેક
અને વિક્ટોરિયા યુનિ.નો સમાવેશ થાય છે. મહત્ત્વની બાબત એ છે કે, આ યુનિવર્સિટીઓના ભારતીય કેમ્પસમાં તેમના મૂળ સંકુલ મુજબના અભ્યાસક્રમ,
મૂલ્યાંકન અને ડિગ્રી ઉપલબ્ધ કરાશે. વળી તેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને
વિદેશમાં મુખ્ય કેમ્પસમાં એક કે બે સેમિસ્ટર માટે અભ્યાસ કરવાની તક મળશે. ઉલ્લેખનીય
છે કે, ભારતીય ઉચ્ચ શિક્ષણને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની
નેમ ધરાવતી 2020ની રાષ્ટ્રીય
શિક્ષણનીતિને અનુરૂપ નવી વ્યવસ્થાને મંજૂરી અપાઈ છે. આ ઐતિહાસિક પગલાંની સામે અમુક સવાલ પણ ઊભા થઈ રહ્યા
છે. ખાસ તો વિદેશી કેમ્પસમાં શિક્ષણ, પાઠયક્રમ અને મૂલ્યાંકનના વૈશ્વિક ધોરણો જળવાયેલા
રહે તે માટે યુજીસી જેવી નિયમન એજન્સીઓના કાર્યક્ષેત્રમાં આ નવી વ્યવસ્થાને આવરી લેવાની
વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય બની રહેશે. સાથોસાથ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને લોન
કે રાહતની જોગવાઈ વિદેશી યુનિવર્સિટીઓએ રાખવી જોઈશે. ખાસ તો શિક્ષણના સ્તર અને અભ્યાસ
બાદ વૈશ્વિક પ્લેસમેન્ટમાં ભારતીય કેમ્પસમાં કોઈ ભેદભાવ ન થાય તેવી સતત દેખરેખ રાખવાની
સાથોસાથ આ સંસ્થાઓ પાસેથી નક્કર બાંહેધરી પણ લેવાવી પડશે. મહત્ત્વની બાબત એ છે કે,
સરકારના આ નિર્ણયથી સ્વદેશી યુનિવર્સિટીઓની સામે પણ એક નવો પડકાર ઊભો
થશે. શક્ય છે કે, આમાં વિરોધનો સૂર પણ ઊઠી શકે છે. જો કે,
સ્વદેશી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેમના તમામ સ્તરના ધોરણને સુધારીને આગામી
સ્પર્ધા માટે પોતાને વધુ સજ્જ કરવા પર હવે તાકીદનું ધ્યાન આપવાની જરૂરત રહેશે. આપણા
દેશમાં આઈઆઈએમ કે આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ હવે સ્વદેશમાં પોતાના વ્યાપને વધારવો
રહ્યો. સરવાળે તો દેશના શિક્ષણ માળખાં અને વિદ્યાર્થીઓને ફાયદો જ થશે.