ભુજ, તા. 29 : શહેરના હોસ્પિટલ રોડ
પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આજે આગ લાગતાં દોડધામ મચી હતી. આ બનાવ અંગે ભુજની ફાયરબ્રિગેડ
પાસેથી મળેલી જાણકારી મુજબ સવારે 9.20 વાગ્યે
તેઓને કોલ આવ્યો હતો કે, હોસ્પિટલ
રોડ સ્થિત વાયબલ હોસ્પિટલમાં આગ લાગી છે. આથી ફાયર ટીમે ઘટનાસ્થળે ધસી જઇ દસ-પંદર મિનિટમાં
આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર ફાઇટર સચિન પરમારે જણાવ્યું હતું કે, હોસ્પિટલનો જે રૂમ બંધ હતો અને એસી બંધ હતું તે એસીના પ્લગમાં શોર્ટસર્કિટ
થતાં એસીના ઇન્ડોરમાં આગ લાગી હતી અને પલંગના ગાદલા સુધી આગ પહોંચતાં કાળા ધુમાડા ફેલાયા
હતા. હોસ્પિટલના સ્ટાફે આગ લાગતાં જ બુઝાવવાના પ્રયાસ આદરી તુરંત ફાયરબ્રિગેડને જાણ
કરી હતી. હોસ્પિટલમાં દાખલ બે મહિલા દર્દીને સલામત રીતે બહાર કાઢવામાં આવી હોવાની વિગતો
મળી છે. આગના ધુમાડા બારીઓમાંથી નીકળતાં હોસ્પિટલ રોડ પર લોકો એકત્ર થયા હતા. જો કે,
આગ વધુ પ્રસરે તે પહેલાં તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. આ આગ બુઝાવવાની
કામગીરીમાં ભુજ ફાયરબ્રિગેડના વિશાલ ગઢવી, મામદ જત, યશપાલસિંહ વાઘેલા, સત્યજિતસિંહ ઝાલા, રુદ્ર જોશી તથા તાલીમી સ્ટાફ જોડાયો હતો.