ગાંધીધામ / ભુજ, તા. 29 : કચ્છમાં અપમૃત્યુના
જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો
કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા તા. વાતાવરણનો આનંદ લેતા
લેતા ચારેય યુવાનો તળાવમાં ન્હાવા પડયા હતા પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવવાને કારણે
ચારેય અચાનક ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યા હતા જે પૈકી ત્રણ યુવાનો બચી ગયા હતા જયારે
શંકર નારાયણ નાથ (ઉ.વ. 22) નામના યુવાને જીવ
ખોયો હતો. જયારે ભુજના હમીરસર તળાવમાં આજે સાંજે ડૂબવાથી ભુજની 42 વર્ષીય પરીણિતા ફરીદાબેન ફારૂખ કુંભારનું મોત નીપજ્યું
હતું. આ ઉપરાંત અબડાસાના નલિયામાં 24 વર્ષીય
યુવાન અમિત શુભકરણ સિવરણે તથા અંજારના વરસામેડીમાં હરસિદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેનાર
રાજલબા શિવરાજસિંહ સોઢા (ઉ.વ. 25)એ તથા સુવેલ યુસુફ
સરકાર (ઉ.વ. 21)એ ફાંસો ખાઈ પોતાના જીવ દીધા હતા તેમજ રાપરના ચીરઈમાં
એસિડ પીનાર નૈનાબેન દિલીપ ભીલ (ઉ.વ. 40)એ
સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.
ગાંધીધામનો શંકર નાથ તથા ચેતન તારાચંદ તંવર, વિક્રમ ગોવિંદ પરિહાર અને અહેમદ અનવર
સાયચા નામના મિત્રો આજે ભેગા મળીને શિણાય બાજુ આવ્યા હતા. અને કુદરતી સૌંદર્યની ફોટોગ્રાફી
વગેરે કરી રહ્યા હતા. દરમ્યાન ચારેય મિત્રો, ઉકળાટ, ગરમીથી બચવા શિણાયના તળાવમાં ન્હાવા પડયા હતા. પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ
ન આવતા અચાનક ચારેય ડુબવા લાગ્યા હતા. આ ચારેય પૈકી અહેમદને તરતા આવડતું હતું જ્યારે
અન્ય યુવાનો ડુબવા લાગ્યા હતા. અહેમદે બાથ ભીડીને ચેતન તથા વિક્રમને બહાર કાઢી લીધા
હતા જ્યારે શંકરનનાથ પાણીમાં ગરકાવ થયો હતો. બે મિત્રોને બચાવ્યા બાદ શંકરને બચાવવાના
પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. બનાવની જાણ થતાં વહીવટી તંત્ર, પોલીસ
ત્યાં દોડી આવી તરવૈયાઓની મદદથી ડુબેલા યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવને
પગલે યુવાનના પરિવારમાં ભારે આક્રંદ અને અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પોલીસે નોંધ
કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ આજે સાંજે 6-30 વાગ્યાના અરસામાં ભુજના હમીરસર તળાવમાં વંદે માતરમ
બગીચા પાસે મહિલાની તરતી લાશ દેખાતા આ અંગે ભુજના ફાયર કન્ટ્રોલ રૂમને કોલ આવતા ફાયર
ટીમ ઘટના સ્થળે ધસી જઇ તળાવમાંથી મહિલાની લાશ કાઢી જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતા છાનબીનમાં
આ અજાણી મહિલા ભુજના લખુરાઇ ચાર રસ્તા પાસે રહેતી ફરીદાબેન ફારુખ કુંભાર હોવાનું સામે
આવ્યું હતું. પાણીમાં ડૂબવાથી તેનું મોત થયાનું ફણજ પરના તબીબે જાહેર કર્યાની વિગતો
હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાઇ હતી.
જ્યારે નલિયાના ગોકુલધામમાં રહેતા યુવાન અમીતે ગઇકાલે
પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેને સારવાર અર્થે નલિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે
લવાયો હતો. જ્યાં તેને મૃત ઘોષિત કરાતા પોસ્ટ મોર્ટમ અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
લઇ અવાતા ફરજ પર તબીબે વિધિવત મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાઇ
હતી.
આ ઉપરાંત વરસામેડીની હરસિદ્ધિ સોસાયટીમાં રહેનાર રાજલબા
નામના યુવાન પરિણીતા ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતા. બે વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ યુવતી
સાસુ-સસરા સાથે રહેતી હતી. આ યુવતી પોતાના કાકા વિજયસિંહ બાબુભા વાઘેલાને વ્હોટસએપ
ઉપર સ્યુસાઈડ નોટ મોકલાવી બાદમાં ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. આ યુવાન પરિણીતાની
લાશ જામનગર પી.એમ. માટે લઈ જવાઈ હતી. જ્યાં તેણે ગળેફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું
હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ અંજાર ડી.વાય.એસ.પી.એ હાથ ધરી છે.
અપમૃત્યુનો વધુ એક બનાવ વરસાણાની એસ.આર.વી. પ્લાયવુડ
કંપનીમાં બન્યો હતો. અહીં રહેનાર સુવેલ નામના પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ગમછા
વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.
વધુ એક બનાવ રાપરના ખીરઈમાં બન્યો હતો. નૈનાબેનના બાળકોટએ
ઘરમાં સાફસફાઈ કરવા માટેનું એસિડ ગ્લાસમાં કાઢેલ હતું. જે આ મહિલાએ પી લેતા તે બેભાન
થઈ પડી ગયા હતા. તેમને સારવાર માટે લઈ જવાયા
હતા. જ્યાં તેમણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી
આગળની તપાસ હાથ ધરી છે.