ભુજ, તા. 29 : જિલ્લાની એકમાત્ર જી. કે. જનરલ હોસ્પિટલમાં
અંદાજે 13-14 વર્ષ
જેટલા સમયથી કાયમી સિવિલ સર્જનની જગ્યા ખાલી હોવાથી ચાર્જમાં ચાલતો વહીવટ ઠપ થઈ
ગયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાની
એકમાત્ર સરકારી હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી સિવિલ સર્જનની જગ્યા ખાલી પડી છે, જેનાં કારણે હોસ્પિટલનો વહીવટ ખોરવાઈ ગયો હોવાનું જાણવા મળે છે. સૂત્રોના
જણાવ્યા અનુસાર આ હોસ્પિટલમાં છેલ્લે સૂર્યકાંત ભેદા નિવૃત્ત થયા બાદ અહીં કાયમી
સિવિલ સર્જન મુકાયા જ નથી, જેથી આ કચેરી લાંબા સમયથી
ચાર્જમાં જ ચાલ્યા કરે છે, હાલ પણ આ કચેરીનો ચાર્જ
ગાંધીધામના આરોગ્ય અધિકારી પાસે છે. આ અધિકારીને પણ ગાંધીધામ ઉપરાંત અન્ય સરકારી
વહીવટી કામોની વ્યસ્તતાનાં કારણે ભુજ કચેરી માટે પૂરતો સમય મળતો ન હોવાથી અને કામો
રખડી પડતાં હોવાનું જાણવા મળે છે.
આઉટસોર્સથી
ચાલતી કચેરી
ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલ કચેરીમાં હાલમાં કાયમી એકમાત્ર ચોથા વર્ગનો કર્મચારી ફરજ
બજાવે છે,
જ્યારે વહીવટી અધિકારીયે ચાર્જમાં છે, તો
બાકીના 15થી
20 જેટલા
આઉટસોર્સવાળા છે. આ આઉટસોર્સ કર્મચારીઓના પગાર પણ છેલ્લા ચારેક મહિનાથી અટવાતાં
આવા કર્મચારીઓ આર્થિક ખેંચ અનુભવી રહ્યા છે.
પેન્શનરો
પરેશાન
જિલ્લા
કક્ષાની આ હોસ્પિટલમાં સિવિલ સર્જનનો ચાર્જ હાલ ગાંધીધામના અધિકારી પાસે હોવાથી
તેઓ અઠવાડિયાંમાં એક કે બે વાર માંડ આવતા હોવાથી તેમજ ક્યારેક કલેક્ટર દ્વારા
બોલાવતી બેઠકોમાં જવાનું હોવાથી પેન્શનરોનાં બિલો, લીકરની
પરમિટ ધરાવતા અરજદારો તેમજ સરકારી કર્મચારીઓના આરોગ્યનાં બિલો પર સમયસર આ
અધિકારીની સહી ન થવાથી બિલો પણ અટકી જતા હોવાની ફરિયાદ અવારનવાર ઊઠી રહી છે.
આઉટસોર્સના
પગાર બાકી
બીજીબાજુ
કચ્છ અને પાટણ જિલ્લા વચ્ચે એકમાત્ર જિલ્લાની માનસિક હોસ્પિટલમાં માનસિક રીતે
અસ્થિર દર્દીઓની સેવારૂપી ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓ તેમજ જિલ્લાની સરકારી
હોસ્પિટલોમાં ફરજ બજાવતા એક જ એજન્સીના આઉટસોર્સ કર્મચારીઓ પણ પગાર વિહોણા રહેતાં
મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ગરીબ
દર્દીઓને મુશ્કેલી
આ
હોસ્પિટલમાં કાયમી સિવિલ સર્જન ન હોવાથી ઘણી વખત ગરીબ દર્દીઓને તેમના સહી-સિક્કાથી
મળતી નિ:શુલ્ક સારવારથી વંચિત રહેવું પડે છે. કેટલાક કિસ્સામાં હોસ્પિટલમાં આવા
દાખલ દર્દીઓની ફાઈલમાં સિવિલ સર્જનના સહી-સિક્કા ન થવાનાં કારણે ચૂકવણું કર્યા બાદ
રજા અપાય છે.
કચેરી
ગાંધીધામ ખસેડાશે ?
દરમ્યાન
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કચેરીને ગાંધીધામ ખસેડવાની હિલચાલ ચાલતી હોવાનું જાણવા
મળે છે,
જો આ કચેરી ગાંધીધામ ખસેડવામાં આવશે તો પેન્શનરો, લીકરના પરમિટધારકો, સરકારી કર્મચારીઓને આરોગ્યનાં
બિલો માટે ગાંધીધામ ધક્કા ખાવા પડશે. દરમ્યાન આ અંગે ઈન્ચાર્જ સિવિલ સર્જન કિશોર
રોયનો ટેલિફોનિક સંપર્ક સાધતાં સતત નો-રિપ્લાય આવ્યો હતો. જ્યારે આઉટસોર્સના પગાર
બાબતે વહીવટી અધિકારીએ એજન્સીનાં બિલોમાં ટેકનિકલ ક્ષતિનાં કારણે પગાર અટક્યા
હોવાનું જણાવી ક્ષતિ સુધરી જતાં પગાર બિલો તિજોરી કક્ષાએ મોકલી અપાયા હોવાનું
જણાવ્યું હતું.