અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 29 : ગુજરાત અને રાજસ્થાનમાં ઘણી પાંજરાપોળ છે, જ્યાં ગાયોનું રક્ષણ અને સંભાળ રાખવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રમાં ગાયો માટે અદ્યતન સુવિધાઓ સાથે મોટા પાયે પાંજરાપોળ નથી. મારું લક્ષ્ય મહારાષ્ટ્રના દરેક તાલુકામાં પાંજરાપોળ સ્થાપિત કરવાનું છે, જેથી ગાયોને બચાવી શકાય, સારવાર આપી શકાય અને સંભાળ રાખી શકાય તેમ `હર ગાંવ ગૌશાળા' નામની પહેલના માધ્યમથી લોનાવાલામાં `શ્રદ્ધા ગૌસેવા પાંજરાપોળ' શરૂ કરનારા વિરલભાઈ ગાલાએ જણાવ્યું હતું. આ પાંજરાપોળની શરૂઆત 6 ઓક્ટોબર 2024ના વિરલભાઈ ગાલા દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં, વિરલભાઈએ `હર ગાંવ ગૌશાળા' નામની તેમની પહેલ હેઠળ વધુ ત્રણ ગૌશાળા શરૂ કરી છે. તેમણે નજીકના ગામોના ખેડૂતો પાસેથી ખેતરો લઈને તેમને ગૌશાળાઓમાં રૂપાંતરિત કર્યા છે. કુલ મળીને બધી 4 ગૌશાળામાં કુલ 438 ગાય છે, જેમાં મુખ્ય શ્રદ્ધા ગૌસેવા પાંજરાપોળમાં 122 ગાયનો સમાવેશ થાય છે. બાકીની ત્રણ ગૌશાળા માવલ તાલુકામાં આવેલી છે. આઈટી એન્જિનીયર એવા વિરલભાઈ વ્યવસાયે વાસ્તુ સલાહકાર છે. તે અઠવાડિયામાં 5 દિવસ ગૌશાળામાં સેવા આપે છે. તેમની ગેરહાજરીમાં તેમના પત્ની અને પુત્રીઓ કામગીરીનું ધ્યાન રાખે છે. ગૌશાળામાં એક હોસ્પિટલ છે, જેમાં આઈસીયુ, હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ અને ઘાયલ, સગર્ભા અને ખાસ સંભાળની જરૂર હોય તેવી અન્ય ગાયો માટે અલગ શેડ છે. ગૌશાળામાં એકત્રિત કરાયેલા ગાયના છાણનો ઉપયોગ ઈંધણ બનાવવા માટે થાય છે, જે સ્મશાનમાં પહોંચાડવામાં આવે છે. વિરલભાઈ શહેરી જીવનથી દૂર જઈને મુંબઈની નજીક રહેલા પ્રદૂષણમુક્ત વાતાવરણમાં સ્થાયી થવા માગતા હોવાથી કોવિડ-19ની પ્રથમ લહેર પછી પત્ની અને બે પુત્રીઓ સાથે લોનાવલા શિફ્ટ થયા. પાંજરાપોળ વિકસાવવાનો વિચાર તેમના મનમાં કેવી રીતે આવ્યો તે સમજાવતાં વિરલભાઈ કહે છે, લોનાવાલા આવી ગયા પછી, અમને ગાયો સાથે સંકળાયેલા ઘણા અકસ્માતોના કિસ્સાઓ સાંભળવા મળ્યા. મનુષ્યો માટે કામ કરતી ઘણી સંસ્થાઓ છે, પરંતુ પ્રાણીઓનું શું ? માનવો માટે ઘણી બધી સુવિધાઓ જોઈએ છીએ, પરંતુ મોટા પ્રાણીઓ માટે ભાગ્યે જ આપણે મોટી હોસ્પિટલની સુવિધા જોઈ છે. આ રીતે મેં આ પાંજરાપોળ શરૂ કરવાનું નક્કી કર્યું. વિરલભાઈ `એક પરિવાર, એક ગાય' નામની એક રસપ્રદ પહેલ પણ ચલાવે છે. આ પહેલ સમજાવતાં તેમણે કહ્યું હતું કે, આ મિશન હેઠળ એક પરિવાર એક ગાયની આજીવન સંભાળની જવાબદારી લે છે. દેવલ પારેખે પાંજરાપોળ માટે ઉદારતાથી અડધો એકર જમીન દાન કરી, જેની અંદાજિત કિંમત લગભગ બે કરોડ છે. શ્રદ્ધા ચેરિટેબલ ટ્રસ્ટે બાંધકામ ખર્ચમાં એક કરોડનું યોગદાન આપ્યું હતું, જેના કારણે પાંજરાપોળનું નામ `શ્રદ્ધા ગૌસેવા પાંજરાપોળ' રાખવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ મુલુંડએ હોસ્પિટલના બાંધકામ માટે 25 લાખનું દાન આપ્યું હતું.