• મંગળવાર, 30 જૂન, 2026

ચર્ચાસ્પદ મિરજાપર જમીન કેસમાં બંને પક્ષની ફરિયાદ રદની અરજી નામંજૂર

ભુજ, તા. 29 : ચર્ચાસ્પદ બનેલા મિરજાપર સર્વે નં. 30વાળી જમીનની કાયદાકીય આંટીઘૂંટીના લાંબા દોર પછી બંને પક્ષની ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટે નામંજૂર કરી અને આ જમીન સામે બંને પક્ષના જે કંઇ મનાઇ હુકમ મેળવ્યા હોય તે તમામ રદ કરવાનો હુકમ કરતાં હવે બંને ફરિયાદને લઇ પોલીસ તપાસ આગળ ધપશે તેવું સામે આવ્યું છે. મિરજાપરની સીમમાં આવેલ વિવાદિત જમીન રે.સ. નં. 30 પર લાંબા સમયથી ચાલતા વિવાદ અને બંને પક્ષે કરેલી સામસામી ફરિયાદ સબબ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા પીટીશન અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી અને બંને પક્ષની રજૂઆતો, દસ્તાવેજી આધારો, પોલીસ તપાસ વગેરે બાબતોને ધ્યાને લઈ બંને પક્ષની ફરિયાદ રદ કરવા અંગેની અરજી ફગાવી દીધી હતી અને તપાસ તેમજ ધરપકડ પર મળેલ મનાઈહુકમ પણ રદ કરી દેવામાં આવતાં લાંબા સમયથી મંદ રહેલ તપાસ અને આરોપીઓ સામેની અટકાયતી કાર્યવાહી તેજ બનશે. આ કેસ અંગેની ટૂંકી વિગત એવી છે કે, વર્ષ 2003માં પાવર ઓફ એટર્નીથી  મિરજાપર, સીમ સ.નં. 30વાળી જમીન વાસુદેવ રામદાસભાઈ ઠક્કરને ધનસુખભાઈ હરજીભાઈ લીંબાણીએ આપી દીધી, બાદથી આ જમીન પર બંને પક્ષે વિવાદો ચાલુ થયા હતા. વાસુદેવભાઈના વારસદાર નિશાંત વાસુદેવભાઈ ઠક્કર દ્વારા કાયદાકીય જંગનો આરંભ કરાયો, જેમાં નિશાંતે ધનસુખભાઈ સામે, તો ધનસુખભાઈએ નિશાંત અને વિનય રેલોન સામે 465, 467, 420 જેવી કલમો સાથે ફરિયાદ દાખલ કરાવી હતી. દાખલ થયેલી ફરિયાદો સામે બંને પક્ષે હાઈકોર્ટમાંથી ધરપકડ પર મનાઈહુકમ મેળવી લીધા હતા. આ બંને પક્ષ વચ્ચે સામસામી ધારદાર દલીલો કરવામાં આવી હતી, જેમા બંને તરફે પોતપોતાની રજૂઆતો સમયે વિવિધ આધાર-પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. રેવેન્યૂ રેકર્ડ, પાવર ઓફ એટર્ની, પાસપોર્ટ, માઈગ્રેશન રિપોર્ટ જેવા સખત આધારો રજૂ કરાયા હતા. ધારાશાસ્ત્રીઓ દ્વારા પક્ષે-પ્રતિપક્ષે વિવિધ અણિયાળા સવાલો કરી પોતાનો પક્ષ રખાયો હતો. અંતિમ તબક્કામાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મોક્ષાબેન ઠક્કર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને બંને પક્ષની દલીલ, સરકારી વકીલની દલીલ, દસ્તાવેજી આધારો, રેવેન્યૂ રેકર્ડ વગેરેને ધ્યાનમાં રાખી તપાસ પૂર્ણ ન થઈ હોવાનું, આક્ષેપિત ધનસુખભાઈ લીંબાણીની ટ્રાવેલ હિસ્ટ્રી, પાવર ઓફ એટર્નીમાં તેમની સહી, એક્સપર્ટ ઓપિનિયન, ઘનિષ્ટ પોલીસ તપાસ કરવામાં બાકી હોઈ, આ તબક્કે બંને પક્ષ તરફથી કરવામાં આવેલી ફરિયાદ રદ કરવાની અરજી નામંજૂર કરી પોલીસ તપાસ આગળ ચાલુ કરવા જણાવ્યું હતું અને આ જમીન સામે બંને પક્ષે જે કાંઈ પણ મનાઈહુકમ મેળવ્યા હોય તે તમામ રદ કરવા જણાવાયું હતું.

Panchang

dd