ગાંધીધામ, તા. 14 : આ શહેર અને સંકુલમાં અનેક જગ્યાએ
પાલિકા દ્વારા નાળાં વગેરેના કામો ચાલી રહ્યાં છે. દરમ્યાન શક્તિનગર કટ પાસેના ગટરનાં
નાળાંમાં પડી જતાં જુસબ જાકુબ બાપડા (ઉ.વ. 47)એ પોતાનો જીવ ખોયો હતો. બીજી તરફ અંજારના વરસાણામાં બ્રિજેશ
વિંધ્યાચલ યાદવ (ઉ.વ. 29)એ ગળે ફાંસો
ખાઈ જીવ દીધો હતો. આ શહેર અને સંકુલમાં મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર ખોદકામ કરાયું
છે. ક્યાંક માર્ગોના કામ અધૂરા પડયા છે, તો ક્યાંક પેવરબ્લોકના કામ અડધા છે. અમુક જગ્યાએ વરસાદી નાળાં સાફ કરવાની અને
બનાવવાની કામગીરી પણ અડધી જ હોવાનું લોકો જણાવી રહ્યા છે. તેવામાં ગઈકાલે સવારે 10 વાગ્યા પહેલાં શહેરના શક્તિનગર
કટ પાસે સર્વિસરોડ પાસે ગટરનાં નાળાંમાં મોતનો બનાવ બનતાં ચકચાર પ્રસરી છે. શહેરના
સેક્ટર-7માં રહેનાર જુસબ બાપડા નામના આધેડ ગઈકાલે
આ નાળાં પાસે હતા, દરમ્યાન કોઈ
કારણોસર તેમાં પડી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં આ
આધેડે પોતાનો જીવ ખોયો હતો. બીજી બાજુ વરસાણામાં બનલખી વે-બ્રિજ કોલોનીમાં અપમૃત્યુનો
બનાવ બન્યો હતો. અહીં રહેનાર બ્રિજેશ યાદવ પોતાના રૂમ ઉપર હતો, દરમ્યાન તેણે રૂમ બંધ કરી ટૂવાલ વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું
હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.