ગાંધીધામ, તા. 11 : કચ્છમાં ગેરકાયદેસર દેશી, અંગ્રેજી દારૂની હેરાફેરી અને વેચાણ જેવી પ્રોહિબિશનની
પ્રવૃત્તિઓ આચરતા તત્ત્વો સામે પોલીસે લાલઆંખ કરી છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ એલ.સી.બી.એ
ત્રણ રીઢા બુટલેગરની પાસા તળે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પૂર્વ કચ્છમાં
દારૂ જેવી પ્રવૃત્તિઓ આચરતા શખ્સો પર કડક રોક લગાવતા અને પાસા સહિતના કડક અટકાયતી પગલાં
લેવા પોલીસ અધિકારીઓએ ખાસ સૂચના આપી હતી, જેના પગલે એલ.સી.બી.એ
કમર કસી હતી અને શહેરના સેક્ટર-7ના ધીરજ પ્રેમજી ધેડા તથા જગજીવન નગરમાં રહેતા વિજય ઉર્ફે વિકી
શંકર ચંદેની પાસા તળેની દરખાસ્ત તૈયાર કરી હતી. પાસાના કાગળ તૈયાર કરી જિલ્લા સમાહર્તાને
મોકલવામાં આવ્યા હતા. જ્યાં જિલ્લા સમાહર્તા અનિલ રાણાવસિયાએ દરખાસ્ત વાંચી પોલીસને
લીલીઝંડી આપી હતી. મંજૂરી મળતાં પોલીસે આ બંને શખ્સને ઉપાડી લીધા હતા અને ધીરજને મધ્યસ્થ
જેલ અમદાવાદ તથા વિકીને લાજપોર જેલ સુરત ખાતે ધકેલી દેવામાં આવ્યા હતા. પકડાયેલા પૈકી ધીરજ સામે અગાઉ જુદી જુદી કલમો તળે
આઠ તથા વિકી સામે બે ગુના નોંધાયેલા છે. માંડવી તાલુકાનાં દરશડીના ભાવસંગજી ભગુભા જાડેજા
ઉપર પણ પાસાનું શત્ર ઉગામાયું છે. દરશડીના ભાવસંગજી જાડેજા ઉપર શરાબ તેમજ અન્યો મળીને
આઠ ગુના, જેમાં સાત ગઢશીશા અને એક નખત્રાણા પોલીસ મથકમાં
નોંધાયેલા છે. પશ્ચિમ કચ્છ એલ.સી.બી.ના પીએસઆઇ એમ. એચ. શિણોલે તેની વિરુદ્ધ પાસાની
દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટે તે ગ્રાહ્ય રાખી હતી, આથી એલ.સી.બી.ની ટીમે પાસા હેઠળ ભાવસંગજીની અટકાયત કરી અમદાવાદની મધ્યસ્થ જેલમાં
મોકલી દેવાની તજવીજ કરી હતી.