• સોમવાર, 15 જૂન, 2026

નાની ચીરઇમાં કટિંગ થતા દારૂ પર પોલીસ ત્રાટકી

ગાંધીધામ, તા. 10 : ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગોકુળ ગામ નજીક આવેલા પુલ સામે ટ્રક પાર્કિંગની જગ્યામાં દારૂનું કટિંગ થતું હતું, ત્યારે બોર્ડર રેન્જની સાયબર ક્રાઇમ પોલીસ ત્રાટકી હતી અને ચાર શખ્સોને પકડી પાડયા હતા. અહીં ટ્રકમાં પથ્થરના કોથળાની આડમાં લવાયેલો રૂા. 11,73,840નો અંગ્રેજી શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી બાજુ અંજારમાં મકાનમાંથી રૂા. 84,000નો દારૂ હસ્તગત કરાયો હતો. ચીરઇ ગોકુળ ગામ નજીક પુલની સામે આવેલ સાગર સમ્રાટ સિવેઝ પ્રા. લિમિટેડ નામની ટ્રક પાર્કિંગની જગ્યામાં દારૂનું કટિંગ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે બોર્ડર રેન્જની ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે અચાનક છાપો મારતાં દારૂની પેટીઓ ઉતારતા મજૂરોમાં નાસભાગ થઇ પડી હતી, જે પૈકી અરશદ રફીક શાહ (રહે સાગર સમ્રાટ સિવેઝ), જીતુ ગોપાલ ગ્વાલા, ઉત્તમ ગોપાલ ગ્વાલા અને રેવન સમયલાલ આદિવાસી (રહે. તમામ આકાશ ટિમ્બર નાની ચીરઇ)ને ઝડપી લેવાયા હતા જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઇ નાસી છૂટયો હતો. આ શખ્સ કોણ હતો તે બહાર આવ્યું નથી. બાદમાં અહીં પાર્કિંગ કરેલી ટ્રક નંબર આર.જે.-46 જી.એ.- 3410ની તપાસ કરતાં પથ્થરના કોથળાની આડમાં દારૂ લવાયો હોવાનું તથા અમુક પેટીઓ ત્યાં ઊભેલી બોલેરો કેમ્પર નંબર જી.જે.-08-એ.વાય.- 4769માં ઉતારી લેવાઇ હતી. બંને વાહનો ભચાઉ પોલીસ મથકે લઇ જઇ દારૂની ગણતરી કરાઇ હતી. આ વાહનોમાંથી ગ્રીન લેબલ 750 મિ.લિ.ની 300 બોટલ, બ્લેન્ડ પ્રાઈડની 36 બોટલ, સિગ્નેચર રેરની 12 બોટલ, વાઇટલેસ જામુન વોડકાના 180 મિ.લિ.ના 6000 કવાર્ટરિયા તથા કિંગ ફિશર બિયરના 360 ટીન એમ કુલ્લ રૂા. 11,73,840નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલી ટ્રકમાંથી હિન્દ ટર્મિનલ પ્રા. લિ. મોટા કપાયા મુંદરાનો જૂનો  ગેટપાસ, રાજુસિંઘ મોહનસિંઘનું ડ્રાઇવિંગ લાયસન્સ, ફાસ્ટેગ, માટી ભરેલા પ્લાસ્ટિકના કોથળા વગેરે મળીને કુલ્લ રૂા. 27,93,840નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પકડાયેલા શખ્સોની પૂછપરછ કરાતાં તેમને દારૂ ઉતારવા  માટે સચિન નામના શખ્સે બોલાવ્યા હોવાનું બહાર આવ્યું હતું તથા અરશદ શાહ નામનો શખ્સ આ પાર્કિંગના ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ લાખોનો દારૂ અહીં કોણે મગાવ્યો હતો ? કોને મોકલાવ્યે હતો ? અહીં કોણ લાવ્યું હતું ? તે સહિતના પ્રશ્નો અનુઉત્તર છે જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક કાર્યવાહી અંજારમાં હોસ્પિટલ પાછળ વિજયનગર વિસ્તારના એક મકાનમાં કરવામાં આવી હતી. સાગર મહેશ્વરી, કિશન મહેશ્વરીએ દારૂ મગાવી સાગરના કબજાના મકાનમાં રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ મકાનમાંથી ઇપીએમની 240 બોટલ, ગ્રીન લેબલની 144 બોટલ, વિન્ટેજ જામુનની 288 બોટલ એમ કુલ્લ રૂા. 84,000નો દારૂ જપ્ત કરાયો હતો. જો કે, આ બંનેમાંથી એકેય આરોપી ઘરે હાજર મળ્યા નહોતા. 

Panchang

dd