• સોમવાર, 01 જૂન, 2026

રાયધણપરમાં હંગામી પોલીસ થાણું

ભુજ/રાયધણપર, તા. 31 : યુવાનોની સામાન્ય બાબતની બોલાચાલીના પગલે શુક્રવારે રાતે રાયધણપરમાં નાના વરનોરા અને રાયધણપર બે ગામ વચ્ચે થયેલા ટકરાવના બનાવમાં હાલ સ્થિતિ થાળે પડી ગઈ છે. પરંતુ આ બનાવમાં નવો ફણગો ફૂટયો છે. શુક્રવારે પથ્થરમારો રોકવા જતા પોલીસ ઉપર પણ પથ્થરો ફેંકી પોલીસને ઈજા પહોંચાડી અને પોલીસ વાનને નુકસાન કરતા ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. બીજી તરફ, ટોળા વિરુદ્ધની ફરિયાદમાં 20 આરોપીની અટક થઈ છે. બીજી તરફ રાયધણપરમાં આજે સવારે તંબુમાં હંગામી પોલીસ થાણું ઊભું કરવામાં આવતા ગામના ઈતિહાસમાં આ પ્રથમ કાર્યવાહી નોંધાઈ છે. બે દિવસ અગાઉ રાયધણપર-નાના વરનોરાના યુવાનો વચ્ચે થયેલા ટકરાવ બાદ હવે આ વિસ્તારમાં પોલીસ જાણે કે કડક હાથે કામ લઈ દરેક ગુનેગાર, અસામાજિક તત્વોને ડામી દેવાના મુડમાં હોય તેવી પ્રતિતિના ભાગરૂપે રાયધણપર ગામમાં રવિવારે હંગામી પોલીસ થાણું ઉભું કરાયું છે. ગામલોકોની લાગણી અનુસાર આ હંગામી પોલીસ થાણું નજીકના ભવિષ્યમાં કાયમી પોલીસ ચોકીમાં પણ ફેરવાય તેવી શક્યતા છે. દરમ્યાન, અહીં બનેલી ઘટના બાદ પોલીસની ઐતિહાસિક કહી શકાય તેવી કડક  કાર્યવાહી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુકાની સીધી દેખરેખ હેઠળ થયા બાદ આ વિસ્તારના મોટાભાગના તમામ અસામાજિક અને ગેરકાનુની પ્રવૃત્તિ કરનારા તત્ત્વો છેલ્લા બે દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જાહેર રસ્તા ઉપરથી બિનજરૂરી વાહનવ્યવહાર પણ ઠપ્પ થઈ જવા પામ્યો છે. એસ.પી. વિકાસ સુંડાની આ ઐતિહાસિક કામગીરીની આ પંથકના નાગરિકો દ્વારા ઠેર-ઠેરથી બિરદાવવામાં આવી રહી છે. બીજી તરફ રાયધણપર અને નાનાવરનોરા  ખાતે ગોઠવાયેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ દ્વારા પસાર થતા દરેક વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ઘણા બધા વાહનોને નિયમાનુસાર દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે જેથી ચોરાઉ વાહનો અને નિયમભંગ કરતા વાહનો કાયદાની ઝડપે ચડી રહ્યા છે. આ પંથકના અસામાજિક તત્ત્વોને ઇતિહાસમાં પ્રથમ વખત કાયદાનો પરચો મળવા લાગતાં આમનાગરિકો માટે સુખદ અનુભવ થઇ રહ્યો છે. દરમ્યાન, આજે દિવસભર બંને ગામમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો અને પોલીસ કાફલાનો ધમધમાટ રવિવારે પણ યથાવત રહ્યો હતો. જ્યારે માધાપર પોલીસ મથકે કોન્સ્ટેબલ કલ્પેશભાઇ કોડિયાતરે નોંધાવેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાત્રે રાયધણપર ગયા ત્યાં આરોપી સોયેબ સિધિક નામોરીને પથ્થર ફેંકવાની ના પાડવા છતાં તે પથ્થર ફેંકવાનું ચાલુ રાખતાં સાથી કોન્સ. માધવસિંહ ઝાલાએ તેને પકડી રાખતાં અન્ય આરોપીઓ સલીમ મામદ મોખા, રજાક સિધિક મેર તથા અબ્બાસ મામદ મોખા (રહે. બધા નાના વરનોરા)એ પથ્થર ફેંકવાનું ચાલુ રાખી આરોપી સલીમ અને રજાકે તથા અબ્બાસે પોલીસ તરફ પથ્થર ફેંકી ફરિયાદી અને માધવસિંહને ઇજા પહોંચાડી પોલીસની બોલેરોને નુકસાન કર્યું હતું. આમ ફરજમાં રુકાવટ, સરકારી મિલકતને નુકસાન સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો છે. આ બનાવના તપાસકર્તા પીએસઆઇ બી. એ. ડાભીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, પંચનામું અને તપાસ ચાલુ છે તથા આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજીતરફ અન્ય ટોળાં સામે થયેલી ફરિયાદમાં હજુ સુધી કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર કિશોર વયના આરોપી તથા અન્ય 16 એમ કુલ્લે 20 આરોપીની અટક થઇ હોવાનું માધાપરના પીઆઇ એ. કે. જાડેજાએ જણાવ્યું હતું. 

Panchang

dd