નલિયા (તા. અબડાસા) તા. 11 : અબડાસા તાલુકાના નલિયા પોલીસ મથક વિસ્તારમાં આશરે દસેક દિવસ
પૂર્વે રાત્રિના સમયે દુકાનોનાં પતરાં તોડીને થયેલી ઘરફોડ ચોરીના બે ગુનામાં સંડોવાયેલી
તસ્કર ત્રિપુટીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી ચોરી અંગેના
ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને રૂા. 73 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન સુનિલભાઇ પરમાર અને લાખાભાઇ
રબારીને કિશોર વસંત કોલી અને તેની સાથેના અન્ય બે શખ્સોએ અગાઉ દુકાનોમાં ચોરી કરી છે
અને હાલ તેઓ બાઇક પર ચોરીનો સામાન વેચવા માટે કંઢાયથી મોથાળા તરફ આવી રહ્યા હોવાની
મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોથાળા ચાર રસ્તા પાસેથી કિશોર
વસંત કોલી (રહે. બાંભડાઇ, તા. માંડવી), હરેશ મમુ કોલી (રહે. કંઢાય વાડી વિસ્તાર) અને મુકેશ વસંત કોલી (રહે. કંઢાય
વાડી વિસ્તાર)ને અટકાવી તલાશી લેતાં તેમની પાસેથી ચોરીનો સામાન મળી આવ્યો હતો. પોલીસે
પકડાયેલા આરોપીઓ પાસેથી રૂા. 12,990ની રોકડ, સ્પ્લેન્ડર
મોટરસાયકલ (જીજે-12-બીજી-5175), 05 મોબાઈલ ફોન, 33 પેન્ટ, 32 શર્ટ, 15 નંગ બનીયાન, પગરખાંની 4 જોડી,
9 કાંડા ઘડિયાળ, 21 નંગ લાઈટર, ચાર્જિંગ કેબલ, સ્પીકર,
ઇયર બડ્સ અને તમાકુની થેલી સહિત કુલ 73,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓએ આ ચોરીની કબૂલાત આપવા સાથે જણાવ્યું હતું કે, દસ-પંદર દિવસ પહેલાં રાત્રિના સમયે અલગ-અલગ
દુકાનોનાં પતરાં તોડીને તેઓ અંદર પ્રવેશ્યા હતા અને ત્યાંથી રોકડ તથા સામાનની ચોરી
કરી હતી. પકડાયેલા ત્રણેય શખ્સોને આગળની કાર્યવાહી માટે નલિયા પોલીસને સોંપવામાં આવ્યા
છે. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. જાદવ,
એમ.એચ. શીણોલ, એએસઆઈ વિકેશભાઈ રાઠવા, હેડ કોન્સ. વિક્રમસિંહ ગોહીલ, કોન્સ. અનિલભાઈ ખટાણા,
વિરમભાઈ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.