• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

પૂર્વ કચ્છ આર.ટી.ઓ. વિભાગની છેલ્લા બે મહિનામાં 4129 કેસો સાથે 1.13 કરોડની દંડાત્મક કાર્યવાહી

ગાંધીધામ, તા. 22 : પૂર્વ કચ્છની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટ્રાફિક નિયમ ભંગના છેલ્લા બે મહિનામાં  4129 કેસ કરીને રૂા.1.13 કરોડની કડક દંડાત્મક કાર્યવાહી કરી હોવાના અહેવાલ સાંપડયા હતા. ગાંધીધામથી સામખિયાળી તરફ જતા ધોરીમાર્ગ ઉપર બિનઅધિકૃત રીતે આડેઘડ પાર્કિંગ તથા નિયમ વિરુદ્ધની આંખ આંજી નાખે તેવી તીવ્ર લાઈટ નાખી વાહન હંકારનાર સહિતના સામે  આર.ટી.ઓ. વિભાગ દ્વારા લાલઆંખ કરવામાં આવી હતી. આર.ટી.ઓ.ની જુદી-જુદી ટીમો દ્વારા ગત ઓકટોબર મહિનામાં 1974 કેસો સાથે રૂા. 52,60,485ની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત તંત્રની ટીમોએ ગત નવેમ્બર મહિનામાં 2155 કેસ કરી રૂા. 60,63,500નો દંડ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનામાં ઓવરલોડ, પરમિટનો અભાવ, તીવ્ર લાઈટ, વીમો, પી.યુ.સી., ફિટનેસ, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના મોટર વાહન અધિનિયમનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. કંડલાથી સામખિયાળી છ માર્ગીય ધોરીમાર્ગ ઉપર વિવિધ સ્થળે ભારે વાહનો પાર્ક કરવામાં આવતા હોવાના કારણે અકસ્માત થવાની શકયતા પ્રબળ બને છે. વાહનચાલકોની સુરક્ષાને જોમખમાં મૂકનારા- બિનઅધિકૃત રીતે વાહન ઊભા રાખનારા સામે પણ તંત્રે કાયદાનો સંકજો કસ્યો હતો. આ અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં 387 કેસ અને રૂા. 1,96,500નો દંડ, ઓકટોબર મહિનામાં 564 કેસ સાથે રૂા. 2,90,500નો દંડ તેમજ નવેમ્બર મહિનામાં 445 કેસ સાથે રૂા. 2,32,500નોદંડ કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ આર.ટી.ઓ. અધિકારી પી.એમ. ચૌધરીનાં માર્ગદર્શન તળે આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટરની વિભિન્ન ટીમ દ્વારા વાહન નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

Panchang

dd