ગાંધીધામ, તા. 19 : અંજાર ખાતે વાંકાનેરથી એકના
ત્રણગણાં કરાવવા આવેલા યુવાન પાસેથી રોકડ રૂા. ત્રણ લાખ બળજબરીથી મેળવી ત્રણ શખ્સો
નાસી ગયા હતા. વાંકાનેરના હસનપરમાં રહેનાર અને વેપાર કરનાર મહેન્દ્ર ગોવિંદ મકવાણા
નામના યુવાને બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે ગત તા. 7/10ના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ
જોઇ રહ્યો હતો ત્યારે વી-પટેલ-373વાળી આઇડીમાં
રૂા. 1 લાખના 3 લાખ કરી આપવાનો વીડિયો આવતાં યુવાને તેને લાઇક કરતાં આ આઇ.ડી.વાળાએ
સામેથી મોબાઇલ નંબર માગ્યા હતા જે ફરિયાદીએ આપી દેતાં આરોપીઓએ તે નંબર પર વીડિયો કોલ
કરી રૂપિયા બતાવતા હતા. પંદરેક દિવસ સુધી તેને વીડિયો કોલ કરી રૂપિયાના બંડલ બતાવાયા
હતા. યુવાને હા પાડતાં તેને અંજાર સરકારી હોસ્પિટલ પાસે બોલાવાયો હતો, જ્યાં કાળા કાચવાળી નંબર વગરની કારમાં તેને
બેસાડાયો હતો, જેમાં ત્રણ શખ્સો સવાર હતા. ફરિયાદીએ નોટ બતાવવાનું
કહેતાં તેને 500ના દરની એક
નોટ બતાવાઇ હતી. બાદમાં ફરિયાદી નીચે ઊતરી રિક્ષા કરી પોતાના સસરાનાં ઘરે ગયો હતો તેવામાં
આ શખ્સોએ તેને વારંવાર ફોન કર્યો હતો અને દબડા બાજુ બોલાવ્યો હતો જ્યાં આ કારમાં બેસાડી
બાવળની ઝાડીમાં લઇ જઇ પાછળ બેઠેલા ઇમ્તિયાઝભાઇ શેઠ છે તેને પૈસા આપી દેવાનું કહી ધાકધમકી
કરી તેની પાસેથી રૂા. ત્રણ લાખ બળજબરીપૂર્વક કઢાવી લઇ ત્રણેય નાસી ગયા હતા. બનાવ અંગે
પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.