• શનિવાર, 27 જુલાઈ, 2024

સેમિફાઈનલમાં વિજય, ફાઈનલની ગેરંટી

સંપાદકીય... - કુંદન વ્યાસ 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાઓની ચૂંટણી સેમિફાઈનલ હતી તો હવે લોકસભાની આગામી ચૂંટણીની `ફાઈનલ'નાં પરિણામની `ગેરન્ટી' જનતાએ નરેન્દ્ર મોદીને આપી દીધી છે! મહત્ત્વનાં ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં ભાજપ સામે કૉંગ્રેસનો સીધો પડકાર હતો. ડાયરેકટ ફાઈટ હતી અને તેથી કૉંગ્રેસને ઈડી-એલાયન્સના સહકાર-સહાયની જરૂર ન હતી, પરવા ન હતી, પણ એકલા `હાથે' મોદી સામે લડવામાં નાક કપાયું છે. હવે ઇન્ડિયાના નામે કેટલા સાથી પક્ષો સાથે રહે છે અને બેઠકોની સોદાબાજી કરે છે તે જોવાનું છે. માત્ર એકલા રાહુલ ગાંધીએ મોદી સામે `અદાણી' સૂત્ર અને શસ્ત્ર વાપરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ઉપરોક્ત ત્રણે રાજ્યોમાં કૉંગ્રેસે સત્તા મેળવ્યા પછી માત્ર છ મહિનામાં - 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે-મોદીના નામે વાળી-ઝૂડીને સપાટો બોલાવ્યો. કુલ 65માંથી 62 બેઠકો જીતી લીધી  આ વખતે તો વિધાનસભાઓમાં નિર્ણાયક બહુમતી મળી છે, જે 2024ના વિજયની છડી પોકારે છે! અલબત્ત, ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોએ ગુમાન-ઘમંડ રાખ્યા વિના, વિનમ્રતાથી વિજયને આવકારીને વિકાસકાર્યો સફળ બનાવવાના છે અને તો જ વિજય-મોદીની ગેરન્ટી સાર્થક બનશે. ત્રણ રાજ્યોમાં મધ્યપ્રદેશ શિરમોર છે. `મોદીના મનમાં મધ્યપ્રદેશ છે અને મધ્યપ્રદેશના મનમાં તથા દિલમાં મોદી છે' એવો પ્રચાર-દાવો સાચો છે. કેન્દ્રીય પ્રધાનો અને સભ્યોને મેદાનમાં આગળ કર્યા. જેથી `પરિવર્તન'ના પ્રચાર સામે `કવચ' મળ્યું. અલબત્ત, હવે શિવરાજ ચૌહાણની જહેમતની કદરરૂપે એમને મુખ્ય પ્રધાનપદે ચાલુ રખાય એવી અપેક્ષા છે. છત્તીસગઢમાં પૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. રમણસિંહ અથવા કોઈ મહિલાની પસંદગી થાય એમ લાગે છે. ખરી કસોટી રાજસ્થાનમાં છે. અશોક ગેહલોત જૂના જોગી-જાદુગર છે! ઈમર્જન્સી પછી લોકસભામાં ચૂંટાયા પહેલા જાહેરમાં જાદુના ખેલ કરતા હતા. મોદીએ પ્રચારસભામાં કહ્યું હતું - છૂમંતર થઈ જશે! હવે ભાજપ મુખ્ય પ્રધાનપદે કોને બેસાડશે? પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે દાવેદાર છે, પણ `હાઈ કમાન્ડ' પાસે દાવેદારી ચાલે નહીં. વિધાનસભામાં અપક્ષ સભ્યોની સંખ્યા ગણનાપાત્ર છે. મુખ્ય પ્રધાનોની પસંદગીમાં લોકસભાની ચૂંટણી અને રાજ્યોમાં ઝડપી વિકાસનો ખ્યાલ રાખવો પડશે.

કૉંગ્રેસને તેલંગણામાં આશ્વાસન અને આશ્રય

કૉંગ્રેસને તેલંગણામાં આશ્વાસન અને આશ્રય મળ્યો છે. આ માટે રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રા - યશભાગી નથી. ભારત રાષ્ટ્ર સમિતિના કે. ચંદ્રશેખર રાવ - કેસીઆર પોતે જ - પરાજય માટે જવાબદાર છે. સત્તાનો મદ-ઘમંડ અને પ્રદર્શન, પરિવારવાદ-તેલંગણા જાણે પર્સનલ પ્રૉપર્ટી હોય એવો વ્યવહાર-મતદારોએ આખરે સજા કરી અને લોકશાહીમાં લોકસત્તા બતાવી છે. હવે આગામી દિવસોમાં ભ્રષ્ટાચારની આક્ષેપબાજી જોવા મળશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પરિવારે હજુ પણ પરિવારવાદનો બોધપાઠ લીધો નથી. મોતના સોદાગરથી પનોતી અને ખિસ્સાકાતરુ, અદાણી સરકારની હવાબાજ આક્ષેપબાજીથી વાજ આવતા નથી. સનાતન ધર્મ અને હિન્દુત્વનો વિરોધી પ્રચાર ભારતની સંસ્કૃતિમાં સ્વીકાર્ય નથી. દંભી નકલી સેક્યુલરવાદથી સત્તા મળે નહીં આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. ઇન્ડિયા નામના ભ્રમથી `ભારત' ભુલાવી નહીં શકાય. હવે જો પરિવાર નહીં સમજે તો પરાજયને અન્ય ભાગીદાર બનવા માગતા પક્ષો સમજાવશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી હોવા છતાં પરિણામની અસર લોકસભાની ચૂંટણી ઉપર કેવી પડશે? આ પ્રશ્ન-મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી અત્યારે તૈયારી કરી રહ્યા છે. ઇન્ડિયા એલાયન્સ મોરચો અને ભારત-જોડો યાત્રા પછી પાંચ રાજ્યોમાં આ પ્રથમ ચૂંટણી-કસોટી હતી, પણ કર્ણાટક અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી કૉંગ્રેસે વ્યૂહ બદલ્યો છે. પ્રાદેશિક નેતાઓને છૂટો હાથ અને જવાબદારી સોંપવામાં આવી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનો પણ નક્કી હતા. નામ જાહેર થઈ ગયા હતા. બીજી બાજુ ભાજપે મુખ્ય પ્રધાનોનાં નામ આપ્યાં નહીં, પરિણામ આવ્યાં પછી જાહેર થશે એમ જણાવાયું. અલબત્ત, ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નામ અને કામ ઉપર લડવામાં આવી. વર્ષ 2015થી 2023 દરમિયાન મોદીએ ભરપૂર પ્રવાસ અને પ્રચાર કર્યા છતાં દસ રાજ્યોમાં ભાજપે હાર ખમી છે અને છતાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ રાજ્યોમાં 80 ટકા બેઠકો મેળવી છે! વર્ષ 2018માં રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકોમાંથી માત્ર 73 મળી, જ્યારે કૉંગ્રેસને 100 અને અન્યને 27. નોંધપાત્ર છે કે વર્ષ 2013માં ભાજપને 163 બેઠકો મળી ત્યારે કૉંગ્રેસને માત્ર 21 અને અન્યને 16. આ પછી 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25માંથી 24 અને કૉંગ્રેસે માત્ર એક બેઠક મેળવી. એટલું જ નહીં વિધાનસભાનાં 176 ક્ષેત્રમાં ભાજપને સરસાઈ મળી અને 100 બેઠકો જીતનાર કૉંગ્રેસને માત્ર 16 ક્ષેત્રોમાં! રાજસ્થાનમાં છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન કોઈ મુખ્ય પ્રધાનને બીજી મુદત મળી નથી. મધ્યપ્રદેશમાં 2018માં કુલ 230 બેઠકોમાંથી કૉંગ્રેસે 114 અને ભાજપે 109 બેઠકો મેળવી - સાત અન્યને મળી. અલબત્ત, જ્યોતિરાદિત્ય સિંધિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે ભાજપના શિવરાજ ચૌહાણ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા અને 2019માં ભાજપે લોકસભાની 29માંથી 28 બેઠકો મેળવી. કૉંગ્રેસના ભાગે માત્ર એક! વિધાનસભાનાં 208 ક્ષેત્ર જીતી લીધાં. છત્તીસગઢમાં વર્ષ 2013માં ભાજપને 49 અને કૉંગ્રેસને 39 બેઠકો મળ્યા પછી 2018માં ભાજપને માત્ર 15 અને કૉંગ્રેસને 68 બેઠકો મળી હતી. આ પછી લોકસભામાં 11માંથી નવ બેઠક ભાજપે મેળવી અર્થાત્ વિધાનસભાનાં 66 ક્ષેત્રમાં સરસાઈ હતી. 2014માં તેલંગણાનું નવું રાજ્ય બન્યા પછી થયેલી ચૂંટણીમાં તેલંગણા સમિતિને 63 અને કૉંગ્રેસને 19, ભાજપને માત્ર પાંચ બેઠકો મળી હતી. 2018માં ભારત રાષ્ટ્ર સમિતિએ 88 બેઠકો અને કૉંગ્રેસે 19 મેળવી, પણ 2023ની ચૂંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિના મુસ્લિમ વોટ વિભાજિત થયા. કૉંગ્રેસનો મદાર તેલંજા ઉપર હતો - કર્ણાટક પછી દક્ષિણ ભારતમાં સત્તા મળી છે. એક વાત સ્પષ્ટ છે કે પાંચ રાજ્યોમાંથી ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં ભાજપ સામે કૉંગ્રેસનો સીધો મુકાબલો હતો. સમાજવાદી પાર્ટીને બેઠકો ફાળવાઈ નહીં, વચનભંગ થયો. તેથી અખિલેશ યાદવે કેટલું નુકસાન કર્યું એ તો મતદાનના આંકડા વિગતવાર આવે તે પછી ખબર પડશે, પણ કૉંગ્રેસના મોરચામાં અવિશ્વાસ વધુ છે એ જાહેર છે અને આ ત્રણે રાજ્યોમાં એલાયન્સ-કૉંગ્રેસને અન્ય સાથી પક્ષોની જરૂર ન હતી. તેથી 28 પક્ષોનો મોરચો - કે શંભુમેળો લોકસભામાં એકતા બતાવે છે કે નહીં તે જોવાનું છે. કૉંગ્રેસની ગણતરી રાહુલ ગાંધીની `સફળતા' બતાવીને વિજયમાળા પહેરાવવાની હતી. જેથી એલાયન્સના 28 પક્ષો `વડા પ્રધાનપદના દાવેદાર'ને સ્વીકારે, સમર્થન આપે... પણ હવે? દેશભરમાં લોકસભાની 186 બેઠકોમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થાય અને આમાંની 65 બેઠકો ત્રણ હિન્દીભાષી રાજ્યોની છે. તેલંગણા અને મિઝોરમ મળીને 83 થાય છે. 2018ની ચૂંટણીમાં કૉંગ્રેસે ત્રણે રાજ્યોની વિધાનસભાઓની 520 બેઠકોમાંથી 282 મેળવી હતી, પણ 2019માં લોકસભાની 65માંથી 62 ભાજપને મળી. અત્યારે - ભાજપના હાથમાં સાત-આઠ રાજ્યોની સત્તા છે અને મહત્ત્વનાં બાવીસ રાજ્યોમાંથી કૉંગ્રેસ પાસે ચાર રાજ્યો - અને ત્રણમાં ભાગીદારી હતી. હવે બે રાજ્યો - છત્તીસગઢ અને રાજસ્થાન `હાથ'માંથી ગયા છે! ચૂંટણી પ્રચારમાં રેવડી બજાર શરૂ થયા, ચૂંટણી વચનોની `ગેરન્ટી' આપવામાં આવી. ગૅસ સિલિન્ડર, વીજળી, હેલ્થ વીમા, વિનામૂલ્યે શિક્ષણ, મહિલાઓને પેન્શન, જૂના-નવા પેન્શનનો વિવાદ અને હિન્દુત્વની સ્પર્ધા થઈ. અયોધ્યાના રામમંદિર સામે છત્તીસગઢના રાયપુરમાં માતા કૌશલ્યા મંદિર અને રામ-સીતા-લક્ષ્મણની મૂર્તિઓ સ્થાપિત થઈ! ધીરેન્દ્રશાસ્ત્રીની સપરિવાર આરતી ઉતારવા કમલનાથ હાજર હતા. ભાજપના શ્રીરામ સામે હનુમાનચાલીસાના પાઠનું ચૂંટણી કવચ વાપરવાની ચેષ્ટા થઈ - અને કૉંગ્રેસે જાતિવાદની વસતિ ગણતરી કરવાની ખાતરી પણ આપી. ભૂતકાળમાં કાકા કાલેલકર અને મંડલ પંચની ભલામણોનો વિરોધ કર્યો. ઓબીસી, દલિત અને આદિવાસી ઉદ્ધારનો વિરોધ કર્યા પછી હવે જાતિવાદની વસતિ ગણતરી માગે છે! ચૂંટણી પ્રચારમાં રેવડી-વચનોની લહાણીનો સરવાળો અને વાસ્તવમાં પ્રચાર દરમિયાન થયેલા ખર્ચનો હિસાબ ચૂંટણી પંચે માગવો જોઈએ અને જનતાને આપવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang