ભુજ, તા. 7 : કચ્છની
મેઘતૃષ્ણા છીપાવવા આવેલા ભાગ્યવિધાતા મેઘરાજાએ આષાઢી મિજાજ સાથે પોતાની ધોધમાર
કૃપા કચ્છ પર વરસાવી ધરાને તૃપ્ત કરી દીધી છે. જિલ્લામાં રાપરને બાદ કરતાં બાકીના
નવ તાલુકામાં મેઘરાજાએ એકથી લઈ આઠ ઈંચ સુધીની મહેર વરસાવતાં ખળખળ વહેતાં પાલર
પાણીએ અનેક સ્થળે મોહક દૃશ્યો સર્જ્યાં હતાં. આ લખાય છે, ત્યારે વધુ વરસાદની
આગાહી વચ્ચે ચોમેર પાલર પાણીનાં આંખ ઠારતાં દૃશ્યો જોવા મળે છે. નાની-મોટી તકલીફ
અને નુકસાનની પરવા કર્યા વિના કચ્છીઓએ મેઘોત્સવ શરૂ કર્યો છે. રવિવારની મોડી
સાંજથી ગિયર બદલી શાંત ધારે છતાં મુશળધાર છટા સાથે વરસેલા મેઘરાજાએ મધ્યમ સિંચાઈ
યોજનાના વધુ ચાર ડેમ છલકાવી દીધા હતા, તે સાથે મધ્યમ સિંચાઈ
યોજનાના કુલ આવરફ્લો થયેલા ડેમની સંખ્યા છ પર પહોંચી છે. છલકાયેલા ડેમોમાં કનકાવતી,
કાયલા, બેરાચિયા, નિરોણા
ડેમનો સમાવેશ થાય છે. ડોણ અને કારાઘોઘા ડેમ આ પૂર્વે છલકાઈ ચૂક્યા છે, તો નાની સિંચાઈના વિજયસાગર, ધુનારાજા સહિતના 41 ડેમ ઓવરફ્લો થવા સાથે કેટલાંય ગ્રામ્ય
તળાવ વરસાદી મહેરથી છલોછલ થઈ ગયા છે. ભુજની શોભા સમાન હમીરસર તળાવમાં પણ જોશભેર
પાણીની આવક થતાં આ તળાવમાં નવાં નીર છલોછલ રીતે હિલોળા લેતાં થયાં હતાં. અષાઢમાં અનરાધાર મેઘકૃપા વરસતાં વિશેષ રીતે ભુજ, માંડવી, નખત્રાણા અને અબડાસા તાલુકામાં અનેક માર્ગોનું ધોવાણ થતાં આ રસ્તા પર વાહન
વ્યવહાર અવરોધાયો હતો. જિલ્લામાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તક છ અને પંચાયત વિભાગ
હસ્તક છ અને અન્ય ત્રણ મળી કુલ 1પ માર્ગ અવરજવર માટે બંધ થયા
હતા. રવિવારની રાતથી આજે સાંજ સુધી વરસેલા વરસાદના સત્તાવાર રીતે મળેલા આંકડા
અનુસાર ભુજ અને નખત્રાણામાં સાડા પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. બંને
તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં છથી લઈ આઠ ઈંચ સુધીનો વરસાદ વરસ્યાના અહેવાલ
પણ મળ્યા છે. અબડાસામાં કન્ટ્રોલરૂમમાં સત્તાવાર રીતે 19 મિ.મી.
વરસાદની નોંધ થઈ હોય, પણ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં એકથી પાંચ ઈંચની મેઘાવી મહેર વરસી હતી. માંડવીમાં સાડા ત્રણથી ચાર,
ભચાઉ અને ગાંધીધામમાં ત્રણ, મુંદરા-અંજારમાં
બે-બે ઈંચ વરસાદ પડયો હતો. મેઘોત્સવે સર્જેલા આનંદ વચ્ચે ભુજ તાલુકાના નાગોર
પુલ પાસે વરસાદી પાણીથી ભરેલા ખાડામાં બે
બાળકોનાં ડૂબવાથી મોત થતાં કરુણાંતિકા સર્જાઈ હતી. માનકૂવા, મંગવાણા
સહિતના વિસ્તારમાં સતત ભારે વરસાદથી ખારેક સહિતના બાગાયતી તેમજ અન્ય ખેતી પાકોને
મોટું નુકસાન થયું છે. દરમિયાન હવામાન વિભાગે હજુ આખું અઠવાડિયું વરસાદી માહોલ
છવાયેલો રહેવાની આગાહી કરી છે.