નવી દિલ્હી, તા. 16 : અરબ સાગરમાં
આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર એક અત્યંત સંવેદનશીલ અને જોખમી ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ની સાંજે નિયમિત પેટ્રાલિંગ
પર રહેલા ભારતીય નૌકાદળના અગ્રણી યુદ્ધ જહાજ નજીક પાકિસ્તાની નૌકાદળનું એક જહાજ અત્યંત
ઝડપે અને જોખમી રીતે આવી પહોંચ્યું હતું. પાકિસ્તાની જહાજના અનપ્રોફેશનલ અને અસુરક્ષિત
સંચાલનને કારણે બંને યુદ્ધજહાજો વચ્ચે ટક્કર થઈ હતી. જો કે, રાહતની વાત એ છે કે આ અથડામણમાં કોઈ મોટું નુકસાન
થયું નથી. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ
અનુસાર 15 સપ્ટેમ્બરની સાંજે ભારતીય નૌકાદળનું
અગ્રણી યુદ્ધ જહાજ ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત સર્વેલન્સ મિશન પર હતું. તે દરમિયાન
પાકિસ્તાન નેવીનું એક જહાજ અત્યંત હાઇસ્પીડ સાથે ભારતીય જહાજ તરફ ધસી આવ્યું હતું.
સમુદ્રી નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવેલા અસુરક્ષિત દાવપેચને પગલે બંને જહાજો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં
બની હતી અને સદનસીબે બંને પક્ષે કોઈ મોટું નુકસાન નોંધાયું નથી. પાકિસ્તાની નૌકાદળની આ અસ્વીકાર્ય હરકત સામે ભારતના
વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાન હાઈકમિશનના
પ્રભારી (Charg d'Affaires)ને વિદેશ મંત્રાલયમાં
બોલાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના અસ્વીકાર્ય વર્તન
સામે તેમની સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય
જળસીમામાં બનેલી આ ઘટનામાં પાકિસ્તાની જહાજનું વલણ બંને દેશો વચ્ચે થયેલા કરારની વિરુદ્ધ
હતું. આ ઘટના એપ્રિલ 1991માં ભારત
અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કવાયતો, દાવપેચ અને સૈનિકોની હિલચાલ અંગે આગોતરી માહિતી આપવા માટે થયેલા દ્વિપક્ષીય
કરારની કલમ 10નું સીધું
ઉલ્લંઘન છે. પાકિસ્તાનના રાજદૂતને તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું
પુનરાવર્તન ન થાય તે માટે તમામ લશ્કરી એકમો સાવચેતી રાખે અને પરસ્પર કરારોનું સન્માન
કરે. આ વિવાદ માત્ર દિલ્હી સુધી સીમિત નથી
રહ્યો. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે સ્થિત ભારતીય હાઈકમિશનના
પ્રભારીને પણ ખાસ સૂચના આપી છે. ભારતીય રાજદ્વારીને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ
સત્તાવાર રીતે આ જ પ્રકારનો સખત વિરોધ નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.