સુખપર (તા. ભુજ), તા. 12 : લેવા પટેલની
મુખ્ય વસ્તી ધરાવતા આ ગામના રાષ્ટ્ર ઉપરાંત વૃક્ષ અને પર્યાવરણ ક્ષેત્રે જાગૃત યુવાનો
કોઈ પણ પ્રસિદ્ધિની અપેક્ષા વગરના પરિણામલક્ષી કામના કારણે છેલ્લાં દસેક વર્ષથી જાણે
અઘોષિત નિયમ બની ગયો હોય તેમ દર વર્ષે ગામની આજુબાજની કોઈને કોઈ જગ્યાએ 500થી 700 જેટલાં દેશી વૃક્ષનું વાવેતર
થઈ જ જાય છે અને ન માત્ર વાવેતર, પરંતુ
એ રોપા વટવૃક્ષ ન બને ત્યાં સુધી તેનું સતત ધ્યાન પણ રખાય છે, જેનાથી ગામની આજુબાજુના અનેક વિસ્તારોમાં હરિયાળી છવાઈ ગઈ છે. ગામનો એક એવો
વિસ્તાર જ્યાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા, એવા સુખપર અને માનકૂવા
ગામની વચ્ચે આવેલા નાગથડા વાડી વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરના પરિસરમાં વિશ્રામ
વાટિકામાં બાળકોના રમતગમતના સાધનો લગાવવા સાથે અસંખ્ય વૃક્ષોથી લીલુંછમ કરાયું છે અને
હવે ત્યાં સંપૂર્ણ રીતે ગાંડા બાવળથી ઘેરાયેલી પ્રસાદીની છતરડીના પથરાળ ડુંગર ઉપર દિવસો
સુધી હિટાચી અને જેસીબી જેવાં ભારે મશીનો ચલાવીને બાવળમુક્ત કરીને ડુંગરાની ચારેય બાજુ
સુયોજિત રીતે ખાડા કરી, કાંપ અને છાણીયું ખાતર ભરીને દેશી અને
ફળાઉ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. વ્યવસ્થિત સારસંભાળને કારણે બે વર્ષ પછી આ વૃક્ષો
મોટાં થશે, ત્યારે આ ડુંગરની શોભા કંઈક અનેરી જ હશે. વર્ષોથી
વૃક્ષારોપણ સહિત અહીં જે પણ વિકાસકાર્યો થાય છે, તેમાં આર્થિક
સહયોગ એકત્ર કરવા અને શ્રમદાન માટે સત્સંગીઓને પ્રેરણા કરવા ભુજ મંદિરના સંતો અને ગામનાં
સાંખ્યયોગી બહેનોનો બહુ જ મોટો ફાળો રહેલો છે, જ્યારે અહીંનું
ટ્રસ્ટી મંડળ, વાડી વિસ્તારના વડીલો, યુવાનો
અને મહિલાઓ સહિત અનેક ગ્રામજનો પણ દરેક કાર્યોમાં સહયોગ કરે છે. આ ડુંગરા ઉપર ચડવા
માટે પાકાં પગથિયાં તો છે, પરંતુ અસક્ત લોકો પણ પગે ચાલીને કે
નાના વાહનથી ઉપર જઈને છતરડીના દર્શન કરી શકે તે માટે તાજેતરમાં આફ્રિકા સ્થિત એક દાતાએ
મોટા ખર્ચ સાથે મજબૂત કોંક્રિટ રોડ બનાવી આપતાં સુવિધામાં વધારો થયો છે. ટ્રસ્ટના પ્રમુખ
લાલજી વેકરિયા જણાવે છે કે, અહીંના પવિત્ર તળાવની સંગ્રહક્ષમતા
વધારીને ચારેય બાજુ પાકી દીવાલ અને વૃક્ષારોપણ થઈ ગયું છે અને હવે ડુંગરને લાઈટથી સુશોભિત
કરીને ચારેય બાજુ ફરી શકાય એ રીતે વોક-વે જેવી સુવિધા ઊભી કરવામાં આવશે, ત્યારે ધાર્મિક રીતે મહત્ત્વનું આ સ્થળ સાંજ-સવાર અને રજાના દિવસોમાં નિરાંતનો
સમય પસાર કરવા આવતા અસંખ્ય લોકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે.