• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

છેતરપિંડીમાં મુંદરાની મહિલા સહિતના લોકોએ ગુમાવેલા 35 લાખથી વધુ પરત અપાવતી પોલીસ

ભુજ, તા. 12 : મુંદરાની મહિલા સહિત અન્ય લોકો સાથે 35 લાખથી વધુની છેતરપિંડી થયાની રજૂઆત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ થતા તેમણે ત્વરિત કાર્યવાહીના આદેશ કરતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસે વિગતો મેળવી ત્રણ દિવસમાં જ નાણાં પરત મેળવી અપાયા હતા. આ અંગે સોશ્યલ મીડિયામાં વીડિયો મારફત મુંદરાના મૂળ વતની આશાબેન સિધ્ધપુરાએ જણાવ્યું કે, અંદાજે ત્રણ વર્ષ પહેલા નોકરીની જરૂરિયાત હોવાના લીધે `કે.ડી. એન્ટરપ્રાઇઝ' નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા હતા. આ દરમ્યાન કંપની દ્વારા વધુ આર્થિક વળતરની લાલચ અપાતા આશાબેને અન્ય લોકોને પણ પોતાની સાથે જોડયા હતા. કંપનીએ બમણા પૈસા પરત આપવાની સ્કીમો બતાવીને લોકો પાસેથી માતબર રકમ મેળવી લીધી હતી. પરંતુ મુદત પુરી થતાં પૈસા પરત કરવાનો સમય આવતા કંપનીના સંચાલકોએ બહાના બતાવવા શરૂ કર્યા અને અંતે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી આથી પોતાની અને અન્ય લોકો સાથે છેતરપિંડી થયાનું સામે આવતા આશાબેને રૂબરૂ ગાંધીનગર પહોંચીને નાયબિ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની આપવીતી અને રજૂઆત મૂકી હતી. આથી શ્રી સંઘવીએ આ રજૂઆતને ગંભીરતાથી લઇને તરત જ પશ્ચિમ કચ્છ એસ.પી.ને કડક આદેશ આપ્યા કે અરજદારને તાત્કાલિક ન્યાય મળે અને તેમના નાણાં ઝડપથી પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ બીજા જ દિવસે અરજદાર સાથે રૂબરૂ મુલાકાત કરીને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. એલ.સી.બી.ના પી.આઇ. એ.એમ. મકવાણા સહિતની પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે સઘન તપાસ આદરી હતી. પોલીસની આ સક્રિય અને અસરકારક કાર્યવાહીના પરિણામે માત્ર ત્રણ જ દિવસમાં રૂા. 35 લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મળી હતી. શ્રી સુંડાએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી દ્વારા મળેલી સૂચના બાદ પોલીસે `તેરા તુઝકો અર્પણ' અભિયાન અંતર્ગત તત્પરતા દાખવીને કામગીરી કરી હતી. જેના પરિણામે મુંદરા નિવાસી મહિલાને તેમના નાણા ત્રણ દિવસમાં પરત અપાવી શકાયા હતા.

Panchang

dd