અમદાવાદ, 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
પાસે 1,600 કિ.મી. લાંબો દરિયાકાંઠો છે
જે તેને વ્યૂહાત્મક રીતે દેશના અન્ય ભાગો કરતા આગળ રાખે છે. ગુજરાતમાં આગામી સમયમાં
વધુ નવા છ પોર્ટ સ્થાપવાનું આયોજન સરકાર કરી રહી છે. રાજ્ય સરકારે કચ્છના માંડવી તા.ના
નાના લાયજા સહિત નવા ગ્રીનફિલ્ડ પોર્ટ વિકસાવવા માટે લાંબા સમય બાદ નિર્ણય લીધો છે જેને પગલે નવા બંદરોનો વિકાસ શક્ય
બનશે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા વૈશ્વિક સ્તરે રસ ધરાવતા બીડરો પાસેથી બીડ મંગાવવાની
કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રસ્તાવિત પોર્ટનું બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓઓટી)
મોડેલ પર નિર્માણ અને રખરખાવ કરાશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ખડગપુર દ્વારા તૈયાર કરાયેલા
પૂર્વ શક્યતા અહેવાલ મુજબ આ પ્રસ્તાવિત પોર્ટ્સ થકી રાજ્યમાં રૂ. 12,320 કરોડનું રોકાણ ઠલવાશે અને સંયુક્ત
કાર્ગો વહન ક્ષમતામાં આશરે 12.4 કરોડ મેટ્રિક
ટનનો વધારો થશે. પ્રાથમિક વિગતો મુજબ નવા ગ્રીનફિલ્ડ પોર્ટ વિકસાવવા માટે સ્થળોની પસંદગી
પૂર્ણ થઈ ગઈ છે. કચ્છના માંડવી, દ્વારકાના
કલ્યાણપુર, ગીર સોમનાથ, અમેરિલાના જાફરાબાદ,
ભાવનગર તથા સુરત જિલ્લામાં પ્રસ્તાવિત પોર્ટ આકાર પામશે. ગુજરાત મેરિટાઈમ
બોર્ડે જણાવ્યું છે કે, સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રસ્તાવિત
પોર્ટના બાંધકામ માટે રસ ધરાવતી ખાનગી કંપનીઓ પાસેથી બિડ મંગાવી છે. બિડ પ્રક્રિયા
બાદ બાંધકામ કરનાર કંપનીની પસંદગી કરાશે અને તેમને કામની સોંપણી કરવામાં આવશે. તમામ
કંપનીઓએ પોર્ટ બીઓઓટી મોડેલના આધારે પોર્ટનું બાંધકામ, સંચાલન
અને રખરખાવ કરવાનો રહેશે. રસ ધરાવતી કંપનીઓની યોગ્યતા માટે કેટલીક સ્પષ્ટતા કરવામાં
આવી છે. છેલ્લા ત્રણ નાણાં વર્ષમાં લઘુત્તમ રૂ. 500 કરોડનું ચોખ્ખું મૂલ્ય અને
સરેરાશ રૂ. 1,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી
કંપનીઓ જ બિડ કરી શકશે. સફળ બિડરને રાજ્ય સરકાર તરફથી અનેક લાભો અપાશે અને તેમને 30થી 50 વર્ષ સુધી પોર્ટનું સંચાલન તેમજ વિકાસ કરવાનો રહેશે.
ગુજરાતમાં નવા પોર્ટ ક્યાં સ્થપાશે?
* કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનું નાના લાયજા ગામ
* દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાનું ભોગાત ગામ
* ગીર-સોમનાથ જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું વડોદરા ઝાલા ગામ
* અમરેલી જિલ્લાના જાફરાબાદનું વાઢેરા ગામ
* ભાવનગર પાસેના ઘોઘાનું લાખણકા ગામ
* સુરત જિલ્લાના ચોર્યાસી તુલાકાનું ડામકા ગામ