ગાંધીધામ, તા. 12 : શહેરમાં ગાડી ચડાવીને યુવાનની
હત્યા નીપજાવવાનો પ્રયાસ કરાયો હોવાનો મામલો
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દફતરે ફરિયાદ સ્વરૂપે નોંધાયો હતો. આ બનાવ અંગે ગીરીમેરીન
સર્વિસીસ શિપિંગ કંપની ચલાવતા યુગેશ મોહન નાયરે ટાટા કંપનીની સફારી સ્ટ્રોમ આરજે-23-યુબી-4140ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યું
હતું. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,
ફરિયાદી પોતાની મહિન્દ્રા ગાડી લઈને જતા હતા. તે દરમ્યાન રોટરી સર્કલ
પાસે આરોપી ગાડીના ચાલકે ફરિયાદી ગાડીને ટક્કર મારી હતી. ત્યારબાદ અકસ્માત કરનાર વાહનચાલકે
ફરિયાદી સાથે વાતચીત કરતા-કરતા પોતાની ગાડીમાં બેસીને ટાગોર રોડથી સ્ટર્લિંગ હોસ્પિટલ
બાજુ નાસી છૂટયો હતો. ફરિયાદીએ આ વાહનચાલકનો પીછો કર્યો હતો. આ વાહન સ્ટર્લિંગ હોસ્પિટલ
પાસે ઊભેલું જોઈને ફરિયાદી યુવાન પોતાના વાહનમાંથી ઊતરીને અકસ્માત કરનાર વાહનચાલકને
મળવા જતા હતા. તે દરમ્યાન આરોપી વાહનચાલકે પોતાની ગાડી ફરિયાદીને મારી નાખવાના ઈરાદે
ઉપર ચડાવી દેવાની કોશિશ કરી હતી. ગત તા. 9/8ના 8.30 વાગ્યાના
અરસામાં બનાવ બન્યો હતો. ફરિયાદી પોતાની ઉપર પૂરઝડપે આવતી ગાડીને બાજુમાં કૂદી ગયા
હતા, જેથી તેમને કોઈ પ્રકારની ઈજા થઈ ન હતી. આ અંગે
પોલીસે વિધિવત રીતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધપાત્ર છે કે, યુવાન ઉપર ગાડી ચડાવીને જાનથી મારી નાખવાના પ્રયાસનું ચલચિત્ર બે દિવસ પહેલાં
સોશિયલ મીડિયાના જુદા-જુદા માધ્યમો ઉપર ભારે ચર્ચામાં રહ્યું હતું.
તલવાર બતાવી ધમકીઅપાઇ : પોલીસની બાઇક પર પણ ગાડી ચડાવાની કુચેષ્ટા
ભુજ, તા. 12 : ગઇકાલે માધાપરમાં ગાડી રાખવા
જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ગાડી ચડાવી અને હત્યાનો પ્રયાસ થયો હતો. તલવાર બતાવી
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસ પહોંચતાં પોલીસની બાઇક ઉપર પણ
ગાડી ચડાવાની કુચેષ્ટા થઇ હતી. માધાપરના જૂનાવાસમાં સુમરા મસ્જિદ પાસે ગઇકાલે સાંજે
બનેલા આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે માધાપરના ઇમરાન જુણસ સમાએ આરોપી મુસ્તાક પચાણ
સમા (રહે. જુણા, તા. ભુજ) અને તેની સાથે
બે અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ આરોપીની ફરિયાદીના કાકાઇ ભાઇ સાથે
ગાડી સાઇડમાં રાખવા બાબતે બોલાચાલી થતાં તેના મનદુ:ખમાં ફરિયાદીના ઘર પાસે આરોપીઓ ગ્રાન્ડ
વીટારાથી આવી ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને તલવાર બતાવી જાનથી મારી નાખવા
ધમકી આપી હતી. આરોપીઓએ પોલીસની મોટરસાઇકલ ઉપર ગાડી ચડાવવાની કોશિશ કરી હોવાનું ફરિયાદમાં
લખાવાયું છે. માધાપર પોલીસે હત્યાનો પ્રયાસ તથા હથિયારબંધી જાહેરનામાનો ભંગ સહિતની
વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.