• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

દિલ્હીનું પ્રદૂષણ ગંભીર : અમીરી-ગરીબીની ટકોર

હવામાન પ્રદૂષિત થાય એ સમજી શકાય એવી બાબત છે, પણ દિલ્હીની આબોહવામાં ભારોભાર ઝેરનું પ્રમાણ ગંભીર સંકટ બની રહ્યું છે. હાઇકોર્ટથી લઇને સર્વોચ્ચ અદાલત પરિસ્થિતિ કાબૂમાં લેવા ચાબુક વીંઝી રહી છે, પરંતુ સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, ઝડપી પરિણામ સંભવ નથી. સરકાર જે કંઇ પગલાં લે છે એમાં સામાન્ય લોકોને વધુ હેરાન-પરેશાન થવું પડી રહ્યું છે. સર્વોચ્ચ અદાલતે જે કહ્યું એ વિચારણીય છે. પરિસ્થિતિની સંવેદનશીલતાની નોંધ લેતાં સુપ્રીમે કહ્યું કે, અમીરોની જીવનશૈલીમાંથી નીપજેલી મુશ્કેલીઓનો સામનો ગરીબોએ કરવો પડી રહ્યો છે. દિલ્હીના પ્રદૂષણ સંકટને લઇને અનેક અરજી દાખલ થઇ છે એ બધી ક્રમબદ્ધ કરતાં સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા અને જસ્ટિસ વિપુલ પંચોલીની પીઠે સિનિયર ધારાશાત્રી અપરાજિતા સિંગની દલીલો ધ્યાને લેતાં ટિપ્પણી કરી કે, એ આ મામલામાં લાગુ કરવા યોગ્ય આદેશ જારી કરશે. અદાલતનું માનવું છે કે, દિલ્હી એનસીઆરમાં ગ્રેપ-4 લાગુ કરવા માટે જે નિયંત્રણો અમલમાં આવ્યા તેનાથી સૌથી વધુ નુકસાન ગરીબ વર્ગને થવાનું છે. બાંધકામ પર રોક લાગી જતાં હજારો શ્રમજીવીઓનાં ઘરમાં ચૂલો નહીં બળે. ન્યાયમૂર્તિઓએ એમ પણ કહ્યું કે, સુખી-સંપન્ન લોકોએ પોતાની જીવનશૈલી બદલવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટનું વલણ કડક આદેશનો સંકેત આપે છે. મહાનગરોમાં સુખી વર્ગની પોતાની જીવનશૈલી હોય છે. વૈભવી મોટરકારનો કાફલો, વાતાનુકૂલિત ઘર... ઠીક છે તમે સંપન્ન છો તો આ બધું ઐશ્વર્ય ભોગવી શકો, પણ તેનો પ્રભાવ પ્રકૃતિ પર પ્રતિકૂળ પડે અને બીજઓએ ભોગ બનવું પડે તો એ સંજોગોમાં દરેકે કંઇને કંઇ ત્યાગ કરવો જ પડે. દિલ્હી પ્રદૂષણ કટોકટીભર્યા સંજોગોમાં પહોંચી ચૂકયું છે. આબોહવાની શુદ્ધતા આગામી છ દિવસ માટે અતિ ખરાબ શ્રેણીમાં રહેવાના પૂર્વાનુમાન પછી એવું જણાય છે કે, કયારેક ચીનનાં શહેરોમાં લાગુ થયેલી એર પોલ્યુશન ઇમર્જન્સી લાગુ કરવાનો સમય આવી પહોંચ્યો છે. એકયુઆઇ ભયજનક માર્ક ઓળંગી ગયો ત્યારે ચીનના બીજિંગ, શંઘાઇ જેવાં શહેરોમાં સંપૂર્ણ કટોકટી લાગુ કરવામાં આવી હતી. ખાનગી વાહનો પર પૂર્ણ પ્રતિબંધ, ઉદ્યોગોનું કામચલાઉ શટડાઉન, શાળાઓનું ઓનલાઇન શિફ્ટિંગ કરાયું અને જાહેર પરિવહન નિ:શુલ્ક કરી દેવામાં આવ્યું. આવા સંજોગોમાં લંડને લો-એમિશન ઝોન, પેરિસે કાર ફ્રી દિવસ, સિઉલે ચેતવણી સાથે કડક ટ્રાફિક નિયંત્રણ લાગુ કર્યા હતા. દિલ્હી એનસીઅરએ પણ આવા કઠોર નિર્ણાયક કદમ ઉઠાવવા પડશે. પ્રદૂષણની અસર માત્ર નાગરિકો પૂરતી જ સીમિત નથી, પશુ-પક્ષીઓ, વૃક્ષો, જૈવ વૈવિધતા પણ તેનાથી પ્રભાવિત થાય છે. સરકારે પશુચિકિત્સા, પાણીના સ્રોત જેવી બાબતો પર સમાંતર ધ્યાન દેવું જરૂરી છે. તાજેતરમાં થયેલા એક સર્વેનું એવું ચોંકાવનારું તારણ મળ્યું છે કે, દિલ્હીની 80 ટકા વસ્તી પ્રદૂષણ સંબંધિત બીમારીથી પીડિત છે. આ સંજોગોમાં આરોગ્ય ભથ્થું, વીમા પ્રીમિયમમાં રાહત કે પ્રદૂષણજન્ય રોગો માટે વિશેષ ભંડોળ જેવા ઉપાયો પણ વિચારવા જોઇએ. પ્રદૂષણ નિવારણ માત્ર ને માત્ર સરકારની જવાબદારી નથી. વાહનોનો મર્યાદિત ઉપયોગ, કચરો ન બાળવો, સ્વચ્છ ઇંધણ, ફરિયાદ એપ્સનો ઉપયોગ જેવાં પગલાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. 

Panchang

dd