નવી દિલ્હી, તા. 19 : બાંગલાદેશમાં
ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. શેખ હસિના સરકાર સામેના છાત્ર આંદોલનનો ચહેરો અને
ઈન્કલાબ મંચના સંયોજક શરીફ ઉસ્માન હાદીના મૃત્યુના સમાચાર ફેલાતા જ બંગલાદેશમાં
ગુરૂવારે રાતથી ભારે રમખાણો ફાટી નિકળ્યા હતા. બાંગલાદેશના અલગ અલગ હિસ્સામાં
વિરોધ પ્રદર્શન, હિંસા અને તોડફોડ થયા હતા. ઢાકા ધ ડેલી સ્ટાર અને પ્રોથોમ આલો જેવા મુખ્ય
મીડિયા ભવનોને હિંસક ભીડે નિશાન બનાવીને આગ ચાંપી હતી. જેમાં 25 પત્રકારો
મરતા મરતા બચ્યા હતા. આ ઉપરાંત ભીડે બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના પૈતૃક ઘર અને
આવામી લીગના નેતાઓના કાર્યાલયોને નુકસાન પહોંચાડયું હતું. ચટ્ટોગ્રામમાં આસિસ્ટન્ટ
ઈન્ડિયન હાઈ કમિશનરના ઘરે પથ્થરમારો કર્યો હતો તેમજ ભારત વિરોધી નારેબાજી કરી હતી.
જયારે ધનમંડીના છાયાનટમાં આગ ચાંપવામાં આવતા દુર્લભ પુસ્તકો સહિતની સામગ્રી રાખ થઈ
હતી. આજે સાંજે હાદીનો મૃતદેહ ઢાકા પરત
ફર્યે હતો બાંગલાદેશના તનાવને પગલે પૂર્વ સરહદે ભારતીય દળો પણ સર્તક બન્યા છે.
ભારત વિરોધી ઈન્કલાબ મંચના સંયોજક શરીફ ઉસ્માન હાજીને થોડા દિવસ અગાઉ ગોળી મારવામાં
આવી હતી અને કોમામાં ચાલ્યા ગયા બાદ વધારે સારવાર માટે સિંગાપુર મોકલાયા હતા. આ
દરમિયાન ગુરૂવારે રાત્રે તેનુ મૃત્યુ થયું હતું. બાદમાં મોહમ્મદ યૂનુસે રાષ્ટ્રના
નામે આપેલા ભાષણમાં મૃત્યુની પુષ્ટિ કરતા જ
તંગદિલી શરૂ થઈ હતી. લોકો એકઠા થવા લાગ્યા હતા અને હિંસાના બનાવો શરૂ થયા
હતા. ઢાકાના કારવાં બજારમાં આવેલા અખબાર ધ ડેલી સ્ટારની ઈમારતને અડધી રાત્રે ભીડે
આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન પત્રકારો સહિત ઘણા કર્મચારી અંદર ફસાયા હતા. અંદાજીત
25 પત્રકારોનું
4 કલાક
બાદ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. સ્થિતિ બેકાબૂ બનતા સેનાને ડેલી સ્ટારની ઈમારત
સામે તૈનાત કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ આરોપ મુક્યો હતો કે અખબાર શેખ હસીના
પ્રત્યે નરમ વલણ રાખે છે અને ભારત સમર્થક છે. બીજી તરફ અન્ય એક અખબાર પ્રોથોમ
આલોને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જેની આસપાસ લોકો એકત્રિત થયા હતા અને
નારેબાજી કરી હતી. બાદમાં તમામ પ્રદર્શનકારીઓ અંદર ઘુસી ગયા હતા અને તોડફોડ શરૂ
કરી હતી. મોડી રાત્રે ધનમંડી ક્ષેત્રમાં આવેલા છાયાનટ સંસ્કૃતિ ભવનમાં આગ
ચાંપવામાં આવી હતી. જેમાં ઘણી દુર્લભ સામગ્રી નષ્ટ હતી. આવી જ રીતે બંગબંધુ શેખ
મુજીબુર રહેમાનના પૈતૃક નિવાસમાં તોડફોડ અને આગનો બનાવ બન્યો હતો. સૌથી ભયાનક બનાવ
મયમનસિંહ જીલ્લામાં બન્યો હતો. જ્યાં કપડાની ફેકટરીમાં કામ કરતા એક હિંદુ શ્રમિક
ઉપર સ્થાનિકો દ્વારા કથિત ઈશનિંદાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ભીડ એટલી હિંસક બની
હતી કે દીપુ ચંદ્ર દાસ નામના વ્યક્તિની માર મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં
તેના મૃતદેહને એક ઝાડ ઉપર લટકાડવામાં આવ્યો હતો અને આગ લગાડી દેવામાં આવી હતી. આ
મામલે પશ્ચિમ બંગાળ ભાજપ એકમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દીપુ ચંદ્ર દાસ ઉપરનો
હુમલો હિંદુ સામેની હિંસાનું ઉદાહરણ છે.