શિરાચા, તા. 19 : શિરાચામાં
દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે અદાણી પોર્ટસ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં
રોજ વિવિધ ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો અને શ્રોતાઓ ઊમટી રહ્યા છે. આજે
કથાવક્તા પૂ. કશ્યપ જોશીએ કથામાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન તેમજ
પ્રભુભક્તિ અને પિતૃભક્તિનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, પરિવારમાં પિતાનું સ્થાન
અત્યંત મહત્ત્વનું છે. પુત્ર કેટલો પણ મોટો થઈ જાય, પરંતુ
નિરાશાની પરિસ્થિતિમાં પિતાનો ટેકો જ મનોબળ પૂરું પાડે છે, તેથી
તીર્થસ્થાનો કરતાં પહેલા પોતાના વૃદ્ધ માતા-પિતાની સેવા એ જ સૌથી મોટું તીર્થ છે.
કથાના અંતે અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર વી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, આટલા મહાકાર્યનું આયોજન માત્ર કંપની દ્વારા જ નહીં, પરંતુ
આસપાસના જનસમુદાયના સહભાગીથી શક્ય બન્યું છે. આવા અદ્ભુત આયોજનથી કંપની અને લોકો
વચ્ચે અનોખો જનસંપર્ક સ્થાપિત થયો છે અને લોકો તરફથી વ્યાપક સરાહના પ્રાપ્ત થઈ છે.
આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પશ્ચિમ
કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, અદાણી ફાઉન્ડેશનના
ડિરેક્ટર વી.એસ. ગઢવી, જાણીતા લોકગાયક નિલેશ ગઢવી,
મુંદરા મામલતદાર કે.એસ. ગોંદિયા, મુંદરા
તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, મુંદરા સિટી પોલીસ
ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમ્મર, દિલીપદાદા (મોરજર), દિનેશગિરિજી બાપુ (કોટેશ્વર), સુરેશદાસજી મહારાજ
(વિરાણી), મુકુલદાસજી મહારાજ (બીબર), મહાત્મા
કલ્યાણેશ્વર મહાદેવ, સહિત સામાજિક, રાજકીય,
વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, ઔદ્યોગિક અગ્રણીઓ,
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ તેમજ વિવિધ
ગામોના આગેવાનો સહિત હજારો લોકો ઉપસ્થિત
રહ્યા હતા. કથામાં આવેલા શ્રોતાઓમાં વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તથા વિવિધ સંગઠનોના પ્રમુખોએ પૂ. કશ્યપભાઈ જોશી તથા
રક્ષિતભાઈ શાહ અને અમીબેન શાહનું સન્માન કર્યું હતું.