આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 19 : સંસદનું શિયાળુ અધિવેશન શુક્રવારે સમાપ્ત થયું. આ અધિવેશનમાં રાજ્યસભાની કામગીરી (ઉત્પાદકતા) 121 ટકા તો લોકસભાની ઉત્પાદકતા 111 ટકા રહી. અધિવેશનમાં વિપક્ષોના વિરોધ વચ્ચે બે મહત્ત્વના વિધેયક ગ્રામિણ રોજગાર સંલગ્ન મનરેગાના બદલે જી રામ જી અને ખાનગી કંપનીઓ માટે પરમાણુ ઉર્જા ક્ષેત્રના દરવાજા ખોલતું શાંતિ વિધેયક પસાર કરાયું. જો કે દિલ્હી સહિત દેશભરમાં વધતા જતાં વાયુ પ્રદૂષણ સંબંધે ચર્ચા ન થઇ શકી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ અધ્યક્ષ ઓમ બિરલાએ ટૂંકમાં અધિવેશન સંબંધી માહિતી આપતા જણાવ્યું હતું કે લોકસભાની પ્રોડક્ટિવિટી 111 ટકા રહી. અધ્યક્ષે શિયાળુ અધિવેશનના સમાપનની જાહેરાત કરી ત્યારે વડા પ્રધાન મોદી પણ ગૃહમાં હાજર હતા. શિયાળુ અધિવેશનમાં સંસદની 15 સભાઓ મળી જેમાં ગૃહમાં બે મહત્ત્વના રાજકીય વિષયો ઉપર પણ જોરદાર ચર્ચા થઇ, સ્વતંત્રતાની ચળવળથી લઇને આજ સુધી ભારતીયોમાં રાષ્ટ્રભાવના જગાવતા રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ અને દેશમાં ચૂંટણી સુધારા. ચર્ચા દરમિયાન વિપક્ષોએ એસઆઇઆર અને ચૂંટણી કમિશનરોની નિમણુકના મુદા ઉઠાવ્યા હતા તેમ જ સરકાર ઉપર વૉટ ચોરીના આક્ષેપો પણ કર્યા હતા. લોકસભામાં પારિત થયા બાદ રાજ્યસભામાં મોકલાયેલા જી રામ જી વિધેયક ઉપર ગુરૂવારે મધરાત સુધી ચર્ચા બાદ વિધેયક પારિત થયું હતું. અગાઉના મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલા ગ્રામિણ રોજગારી વિધેયકને કેન્દ્રએ નવું નામ વિકસિત ભારત-જી રામ જી આપ્યું છે અને એમાં ગ્રામિણોને સો દિવસના બદલે 125 દિવસની રોજગારી આપવાની જોગવાઇ છે. વિપક્ષોએ આ વિધેયકમાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવાતા જોરદાર વિરોધ કર્યો હતો અને આ વિધેયકની કોપીઓ પણ પાડીને લોકસભાના અધ્યક્ષ ઉપર ફેંકી હતી. સંસદના શિયાળુ અધિવેશનમાં વધુ એક મહત્ત્વનું વિધેયક પારિત થયું એ સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ અૉફ ન્યૂક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એટલે કે શાંતિ વિધેયક. આ વિધેયકથી સરકારે પરમાણુ ઉર્જા ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના દરવાજા પણ ઉઘાડી દીધાં છે. આ ઉપરાંત સંસદમાં સબ કા બિમા સબ કી સુરક્ષા (સુધારા) ખરડો, 2025 પણ પારિત કરાયો, આ સુધારાથી સરકારે વિમા ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની ટોચ મર્યાદા 74 ટકા હતી એ વધારીને સો ટકા કરી છે. સરકારે સંસદમાં વિકસિત બારત શિક્ષા અધિષ્ઠાન બિલ, 2025 પણ મુક્યું હતું.