ભારતમાં દિવાળી વહેલી શરૂ કરવાનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
મળે છે. જીએસટીમાં ધરખમ ઘટાડાની જાહેરાત એમણે દિવાળીની એડવાન્સ - આગોતરી ભેટ આપીને
કરી હતી. આપણને કરવેરામાં વધારો થયાનો અનુભવ છે,
પણ આ પ્રથમ વખત રાહતરૂપ ઘટાડા થયા છે. અબજો રૂપિયાની સરકારી આવક ઘટે,
પણ જનતાને રાહત મળી છે અને તેથી જ વડાપ્રધાને `બચત ઉત્સવ' ઊજવવા જણાવ્યું છે. અલબત્ત, આ બચત જીવનઆવશ્યક ચીજોની ખરીદીમાં વપરાય તો માંગ અને ઉત્પાદન વધે, રોજગારી પણ વધે અને આપણું અર્થતંત્ર હરણફાળ ભરી શકે. વડાપ્રધાને ભારતને આત્મનિર્ભર
બનાવવા માટે `સ્વદેશી અભિયાન'નું આહ્વાન કર્યું છે. આત્મનિર્ભર ભારતને શક્તિમાન
બનાવવા માટે સ્વદેશી અને સ્વદેશાભિમાન અનિવાર્ય છે. આ અભિયાન આગળ ધપાવવાનો સુવર્ણ અવસર
દિવાળી છે. આપણા આ રાષ્ટ્રીય ઉત્સવને સ્વદેશી સ્વરૂપ આપવું જોઇએ. માત્ર એક દિવસનો આ
ઉત્સવ આવનારા દિવસોમાં અને વર્ષોમાં મહોત્સવ બની રહે એવા વિશ્વાસ સાથે આપણે દીપોત્સવીની
શરૂઆત કરીએ. ગ્રીન દિવાળી તો ખરી, પણ સ્વદેશી અનિવાર્ય છે. આપણે
સૌ દીપોત્સવી ઊજવીએ છીએ, એકમેકને ભેટસોગાદ આપીને શુભેચ્છા વ્યક્ત
કરીએ છીએ તો `સ્વદેશ' માટે આપણે શું કરીએ છીએ ? જીએસટીના લાભ મળ્યા, વર્ષો - દાયકાઓથી બેન્કોનાં ખાતાંઓમાં
પડેલાં અઢળક નાણાં એમના માલિકોને પરત આપવાની વ્યવસ્થા થઈ રહી છે, ત્યારે આપણે `સ્વદેશી' ભાવના જગાવીને સંકલ્પ લઈ શકીએ કે અમે સ્વદેશી
માલસામાન ખરીદશું અને ભેટસોગાદ પણ સ્વદેશી જ હશે. માત્ર દિવાળી દરમિયાન નહીં,
આવનારાં વર્ષોમાં પણ ઊજવીશું. વિશ્વમાં અશાંતિ અને અરાજકતા વ્યાપક બની
રહી છે. વિશ્વ પરિવાર અને વિશ્વ વ્યાપારના ગેરલાભ ઉઠાવાઈ રહ્યા છે. વ્યાપાર ક્ષેત્રે
સ્પર્ધાનાં સ્થાને આક્રમણ થાય છે, ત્યારે આપણી આઝાદી અને સરહદોનું
રક્ષણ કરતા જવાનોને સ્વદેશી ભેટ મોકલીને ભારતમાતા કી જય પોકારવાનો આ અવસર છે. આપણી
યુવાપેઢીમાં સ્વદેશાભિમાન જગાવવાનો આ પડકાર છે. ઓપરેશન સિંદૂરમાં આપણાં સ્વદેશી શત્રોનું
પરાક્રમ જોઇને વિદેશો પણ ચકિત થઈ ગયા છે. ફ્રાન્સની સેનાના વડા આપણાં શત્રોથી પ્રભાવિત
થઈને સહકાર કરવા માગે છે ! સ્વાતંત્ર્ય લડત વખતે ગાંધીજીએ સ્વદેશી અભિયાન અને અભિમાનનું
આહ્વાન કર્યું હતું. બ્રિટનની લીવરપૂલ અને માંચેસ્ટરની કાપડમિલોનો માલ ભારતમાં આવતો
હતો તેનો બહિષ્કાર કરવાની હાકલ કરી. ભારતમાં ઠેર ઠેર વિદેશી માલની હોળી થઈ અને ગાંધીજીએ
લોકોને રેંટિયા સાથે ખાદીની ભેટ આપી. ભારત આત્મનિર્ભર બન્યું અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગ
ધમધમાટ ચાલ્યો. આજે પણ આપણો કાપડઉદ્યોગ ટેરિફ આક્રમણ સામે ટક્કર ઝીલે છે ! `સ્વદેશી'
માર્કેટ બજાર શરૂ થયાં. હવે માલસામાનની દુકાનો અને મોલ ઉપર પણ `સ્વદેશી'
બોર્ડ હોવાં જોઇએ. આ દિશામાં રિલાયન્સ ગ્રુપની પહેલ નોંધપાત્ર છે. નરેન્દ્ર
મોદી એક ડગલું આગળ વધ્યા છે. સ્વદેશી - આત્મનિર્ભર
સાથે નિકાસ પણ થશે. લોકલથી ગ્લોબલ એમણે વ્યાપારીઓને અનુરોધ કર્યો છે કે દુકાન ઉપર `સ્વદેશી'
બોર્ડ મૂકો. લોકો પણ ગૌરવથી કહે કે અમે સ્વદેશી માલ ખરીદીએ છીએ. વડાપ્રધાનની
વાત સાચી છે કે આપણા યુવાનો માથાં ઉપર જે કાંસકી ફેરવે છે, તે
પણ `િવદેશી'
હોય છે. બાળકોનાં રમકડાંથી લઈને આપણા ગણપતિ કે હનુમાનજી પણ `િવદેશી'
અર્થાત્ `મેઇડ ઇનચાઇના
!' કપડાં - વત્રો અને શૂઝ પણ વિદેશી કંપનીનાં.
આવી સ્થિતિ માટે ગ્લોબલાઇઝેશન જવાબદાર છે. બહુરાષ્ટ્રીય કંપનીઓનાં જંગી ઉત્પાદનનાં
વેચાણ માટે વિશ્વબજાર મળી ગયું અને સસ્તા માલના ઢગલા થયા. હવે ટ્રમ્પસાહેબે ટેરિફ આક્રમણ
કર્યું ત્યારે બધા જાગ્યા, ચોંક્યા ! વડાપ્રધાન મોદી પહેલેથી
જ સ્વદેશી અને લોકલને ગ્લોબલ બનાવવાનો અનુરોધ કરી રહ્યા છે. ઘણા ઉદ્યોગપતિઓ અને વિદેશી
- ઇમ્પોર્ટેડ માલસામાનના શોખીન લોકો મજાક કરે છે. સ્વદેશી એટલે શું ? આજે વિદેશી કંપનીઓએ આપણા દેશમાં ઉત્પાદન શરૂ કર્યું હોય તો તે વિદેશી કે સ્વદેશી
? વાસ્તવમાં જે ઉત્પાદનમાં આપણા કામદાર - કારીગરોનો પસીનો પડયો હોય અને
આપણી ધરતીની - માટીની મહેક હોય તે સ્વદેશી ગણાય. બાકી `મોટા માણસો' તો નાણાં પણ વિદેશી બેન્કોમાં રાખે છે ને
?! એમણે ભામાશાનું નામ પણ નહીં જાણ્યું હોય ! દીપોત્સવી તહેવારના દિવસોમાં
એક - મેકને ભેટ આપવાનો રિવાજ વિકસ્યો છે. મીઠાઈનું સ્થાન વિદેશી ચોકલેટે લીધું છે અને
સૂકો મેવો - ડ્રાયફ્રૂટની પણ ભેટ અને આપ - લે વધી છે. આ ડ્રાયફ્રૂટ સ્વદેશી છે કે વિદેશી
? બદામ, પિસ્તા, અખરોટ મોટાં
પ્રમાણમાં વિદેશથી આવે છે. વાસ્તવમાં ઉત્પાદન કરતા દેશો કરતાં ભારતમાં માંગ અને ખપત
વધુ છે. ભારતમાં 60 હજાર કરોડનાં
ડ્રાયફ્રૂટ વેચાય છે અને તેમાં 80 ટકા જેટલો
માલ `ઇમ્પોર્ટેડ' છે. આ સૂકા મેવાના વપરાશમાં વાર્ષિક 10થી 15 ટકાનો વધારો થાય છે - અંદાજે રૂા. 32 હજાર કરોડ, પણ ઉત્પાદન સ્થગિત છે. અખરોટનું ઉત્પાદન છેલ્લાં
ત્રીસ વર્ષથી 30 હજાર ટન રહ્યું
છે, જ્યારે ચીનમાં બાર લાખ ટન ઉપર પહોંચ્યું છે.
પિસ્તાની માંગ - વપરાશ પાંચ વર્ષ પહેલાં નવ હજાર ટનનો હતો, તે
વધીને વર્ષે 40 હજાર ટન છે.
ભારતમાં `નટ્સ એન્ડ ડ્રાયફ્રૂ|ટ કાઉન્સિલ'ના અંદાજ અને અહેવાલ મુજબ આ કાચાં ડ્રાયફ્રૂટની
આયાત થાય છે અને ભારતમાં તેનું પ્રોસેસ અને `રોસ્ટિંગ' થાય છે
તેથી તે `મેઇડ ઇન ઇન્ડિયા' ગણાય !ગુણવત્તા જોઇએ તો ભારતીય સૂકોમેવો શ્રેષ્ઠ
ગણાય છે અને હવે દુબઈ તથા અમેરિકામાં નિકાસ થાય છે, તેથી વિશ્વબજારમાં
સ્વીકાર્ય છે. પણ, ભારતમાં જમ્મુ - કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલમાં અખરોટ ઉત્પાદનને
પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, તેથી આગામી પાંચ વર્ષમાં `સ્વદેશી'
ઉત્પાદન વધશે. ફટાકડાની જબ્બર આયાત ચીનથી થાય છે તે પણ ગેરકાયદે છે.
તાજેતરમાં રેવન્યૂ ઇન્ટલિજન્સ વિભાગે મુંબઈના કિનારે 20 મેટ્રિક ટન ચીની ફટકડા પકડયા
છે, જેની કિંમત લગભગ સાત કરોડ છે. આની સરખામણીમાં
સોનાંની દાણચોરી પાંચ કરોડ રૂપિયાની પકડાઈ છે! આ પહેલાં ન્હાવાશેવા બંદર, મુંદરા અને કંડલા મળીને 35 કરોડ રૂપિયાના ચીની ફટાકડા પકડાયા છે. વિદેશી પીણાં - કોકાકોલા
- પેપ્સી જેવાં પાછળ અબજો રૂપિયા આપણાં ખિસ્સાંમાંથી વિદેશી તિજોરીઓમાં જાય છે અને
અમેરિકાના ટ્રમ્પ આપણી નિકાસો ઉપર જકાત વધારે છે ! આપણા યુવાવર્ગે હવે આદત અને ફેશન
સુધારવાની જરૂર છે ! આપણાં દેવ - દેવીઓની પ્રતિકૃતિ ચીનથી આયાત થાય અને આપણે પૂજા કરીએ.
આ ઉપરાંત, આપણા સનાતન ધર્મનું જ્ઞાન વિદેશી `િનષ્ણાતો' - પંડિતો આપે અને અહીં સ્થપાયેલાં મંદિરોમાં
જે ભેટ ચડાવાય તે ભંડોળ વિદેશની તિજોરીમાં જાય ! ધર્મ અને દેવ - દેવીઓ `સ્વદેશી'
નથી શું ? આ વિષયમાં ગંભીર વિચાર કરવો જોઇએ. ભારતને
વિશ્વગુરુ - વિશ્વની મહાસત્તા બનાવવાના સંકલ્પમાં જોડાઈને દિવાળી ઊજવીએ તો આપણા ભારત
મહાનનું ગૌરવ થશે. શરૂઆત સ્વદેશીથી જ થઈ શકે.