નલિયા, તા.21 : અબડાસા તાલુકામાં
પવનચક્કીઓમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને
રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે કમંડ ગામના સીમાડામાં આવેલી એક ખાનગી પવનચક્કીમાં
એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારનાં સમયે લાગેલી આ આગ બપોર સુધી બેકાબૂ રહી હતી
અને તેને કાબૂમાં લેવામાં ન આવતા પવનચક્કીના તાતિંગ પાંખડાં અને અન્ય ભાગો બળીને જમીન
પર ધસી પડ્યા હતા. આગને કારણે ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દ્રશ્યમાન
થતા હતા, જેણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો. નોંધનીય
છે કે, છેલ્લા બે મહિનામાં અબડાસા તાલુકામાં પવનચક્કીઓમાં આગ
લાગવાના પાંચથી છ જેટલા બનાવો નોંધાઈ ચૂક્યા છે. વારંવાર બનતી આ ઘટનાઓ છતાં,
સંબંધિત કંપનીઓ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં
આવી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આવા ગંભીર બનાવો છતાં
સ્થાનિક તંત્ર આ કંપનીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે મૂકપ્રેક્ષક બની રહ્યું
છે.