• ગુરુવાર, 01 મે, 2025

બહુ થયો શોરબકોર... સંસદમાં સંઘર્ષ નહીં સમાધાન જરૂરી

સંસદ ફરી એકવાર વિરોધી સૂરથી ગાજી રહી છે. આ વખતે મુદ્દા છે શિક્ષણ નીતિ અને મતદારયાદી. બન્ને અલગ-અલગ બાબત છે. દેશના ભવિષ્ય, લોકશાહીની રક્ષા માટે બન્ને અત્યંત અગત્યના છે. સંસદમાં આ કે અન્ય કોઈ મુદ્દાની ચર્ચા થવી જ જોઈએ તેમાં બીજો અભિપ્રાય ન હોઈ શકે, પરંતુ દરેક વખતે શોરબકોર કરવાથી, ઉદ્દંડ કે ઉગ્ર થવાથી સમસ્યાનો ઉકેલ ન મળે. ધમાલને બદલે સમાધાન જરૂરી છે. મતદારયાદીમાં ગોટાળો છે, મતદાન ઓળખપત્રના ક્રમ બેવડાયા છે, તેવા આક્ષેપ સાથે સંસદમાં ધોંસ બોલી રહી છે, પરંતુ ફક્ત ઊંચા અવાજે બોલવાથી કંઈ થાય તેવી શક્યતા નથી. આ મુદ્દા એવા છે જેના માટે ગંભીર ચર્ચા થાય. રાજકીય પ્રતિવાદ એક તરફ રાખી સંવાદ કરવામાં આવે. અલબત્ત, શાસકપક્ષ-સત્તાધીશો પણ પારદર્શકતા દાખવે. મતદારયાદીમાં જે ગરબડ થઈ હોવાનું કહેવાય છે, તે કેવી રીતે રોકી શકાય? તેનો ત્વરિત વિચાર-વિમર્શ થવો જોઈએ. આ બાબતે વિલંબ કરવાનું પાલવે તેમ નથી. પહેલાં તો ક્યા પ્રકારની ગેરરીતિ છે, શું ખોટું થયું છે? તે સ્પષ્ટ થવું જોઈએ. જે ફરિયાદ છે અને જે વાસ્તવિક સ્થિતિ છે તેની વચ્ચે સામ્ય કે ભેદ તે પરખાવું જોઈએ. ગેરરીતિ છે તેવું મોટેથી બોલ્યા કરવાથી ઉકેલ નહીં આવે. મતદારયાદી સંવેદનશીલ મુદ્દો છે અને વિપક્ષ તેમાં વિરોધ કરે તે તેની સજાગતા છે. તપાસ એટલા માટે નિષ્પક્ષ અને ઝડપી થવી જોઈએ કારણ કે, કેટલાક વિપક્ષ એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે, ચૂંટણીપંચ કેન્દ્ર સરકારના પ્રભાવ અને દબાવમાં રહીને ક્ષતિયુક્ત મતદારયાદી તૈયાર કરી રહ્યું છે, જેથી ભાજપ અને તેના સહયોગી દળને ચૂંટણીમાં ફાયદો થાય. ચૂંટણીપંચની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા માટે અગાઉ પણ પ્રશ્નો થતા રહ્યા છે, પરંતુ ક્યારેય કોઈ તંત્ર કોઈ કામ સરકારના દબાણમાં એવી રીતે કરે નહીં કે કોઈને આંગળી ચીંધવાનો મોકો મળે. ચૂંટણીપંચ સામે જ્યારે-જ્યારે આવા આક્ષેપ થયા ત્યારે સચોટ બચાવ કરીને તેમણે તે નકારી કાઢયા છે. હવે અહીં આક્ષેપોનું તથ્ય ચકાસવાની પણ તક છે. કારણ કે, ચૂંટણીપંચ જ્યારે મતદારયાદી  તૈયાર કરે ત્યારે રાજ્ય સરકારોની પણ મદદ લે છે. જે રાજ્યમાં ભાજપની સત્તા નથી ત્યાંનું સરકારી તંત્ર પણ ચૂંટણીપંચને કંઈ ખોટું કરવામાં મદદ કરે તે તો માની શકાય નહીં. ચૂંટણી હોય ત્યારે ઈવીએમના મુદ્દે તૂટી પડતો વિપક્ષ અત્યારે હવે મતદારયાદી માટે સંસદમાં વિરોધ કરી રહ્યો છે, પરંતુ કોઈ નક્કર પુરાવા, ઠોસ સાબિતીના અભાવે જનસમુદાયનું કે માધ્યમોનું ધ્યાન ખેંચી શક્યો નથી. અહીં પુનરોક્તિ કરીએ તો મતદારયાદી અત્યંત સંવેદનશીલ બાબત છે, તેથી વિપક્ષ જાગૃત રહે તે આવકાર્ય છે, પરંતુ વિરોધનો પાયો તો હોવો જોઈએ. જ્યારે-જ્યારે ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં આવે ત્યારે ઈવીએમથી લઈને અન્ય ગેરરીતિના આક્ષેપ થાય, પરંતુ ઝારખંડ કે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પરિણામ આવે તો તે શુદ્ધ હોય. આ બેવડું વલણ પણ કેટલું યોગ્ય ? વિપક્ષ કહે છે કે, ચૂંટણીપંચની ભૂમિકા શંકાસ્પદ છે, તો તેણે તે વાત માટે નક્કર વિગત, પુરાવા પણ આપવા તો જોઈએ. વિપક્ષનું કામ જ સરકારી કે સરકાર સાથે સંલગ્ન તંત્ર ઉપર નજર રાખવાનું છે. આક્ષેપ સામે વાંધો ન હોઈ શકે, પરંતુ સામાન્ય પ્રજાના માનસમાં પણ ચૂંટણીપંચ જેવા અગત્યના તંત્ર માટે સંશય ઉત્પન્ન થાય. પક્ષો પાસે જો તથ્ય હોય, પૂરાવા હોય તો કોઈ પણ મુદ્દે સંસદથી સડક સુધી લડવું જોઈએ, પરંતુ ફક્ત શોર થાય અને કોઈ નિષ્કર્ષ ન આવે તેનો અર્થ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd