ગીરનું વન એશિયાટિક સિંહોની તો સમગ્ર પૃથ્વી ઉપર એકમાત્ર ભ્રમણભૂમિ
છે જ, પરંતુ હવે આ ગુજરાત વાઘનું પણ ઘર બને તેવા સંકેત
પ્રકૃતિએ આપ્યા છે. દીપડો અને સિંહ બંને સદીઓથી અહીં વસે છે, હવે વાઘ પણ વસવાટ કરે તેવી સંભાવના ઊભી થઈ છે. દાહોદ પાસેના વનવિસ્તારમાં નવ
માસથી એક વાઘની અવરજવર હોવાની સત્તાવાર જાહેરાત સરકાર તરફથી થઈ છે. ગુજરાતની વન્યસંપદા
વિવિધાથી ભરી ભરી છે, સાથે જ અહીં વન્યસૃષ્ટિ સંરક્ષણ ક્ષેત્રે
નોંધપાત્ર કામ થયું છે, તેનો આ એક પુરાવો છે. જંગલ વિસ્તારમાં
થતાં ખનન, વૃક્ષછેદન, ખાસ તો ગીરમાં સિંહના
વિહાર વિસ્તારમાં વચ્ચોવચ ખડકાયેલા રિસોર્ટ-હોટલ સહિતની બાબતોનો વિવાદ વારંવાર બહાર
આવતો રહે છે. આનો ઉકેલ પણ આવશ્યક છે જ. સામે વનસંરક્ષણનું કાર્ય પણ સતત થતું રહ્યું
છે. મધ્યગીરમાં પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. સાથે ધારી પાસે આંબરડી પછી
હવે બરડામાં પણ સિંહ પરિવારનો વસવાટ છે, રાજ્ય સરકારે સાતત્યપૂર્ણ
પ્રયાસ કર્યા છે. 2025ની વસતી ગણતરીના
અંતે સૌરાષ્ટ્રના 11 જિલ્લાના
35000 ચોરસ કિલોમીટરમાં સિંહનો વસવાટ
કે પરિભ્રમણ છે, 891 સિંહ અહીં નોંધાયા છે. વાસ્તવિક સંખ્યા 1100 આસપાસ છે. આના બે તારણ નીકળી
શકે, એક તો આ સમગ્ર વાતાવરણ-આબોહવા સિંહના જન્મ અને
ઉછેર તથા વસવાટને અનુકૂળ છે, વનવિભાગના પ્રયાસો પણ તેમાં યશભાગી
ખરા. અન્ય એક તારણ એ કે, આટલા બધા સિંહ છે અને હવે તે વનની બહાર
પણ દેખાવાનું પ્રમાણ વધ્યું છે. સોશિયલ મીડિયા ઉપર ઉના, ગીર સોમનાથ
વિસ્તારના ગામડાંમાં શેરીમાં શ્વાનની જેમ સિંહ લટાર મારતા દેખાય છે. સિંહને વનવિસ્તાર
ટૂંકો પડી રહ્યો છે. એક સમયે 10 હજાર ચોરસ કિલોમીટરમાં સિંહનું ભ્રમણ હતું તે વિસ્તરીને 22000 ચોરસ કિલોમીટર અને હવે 35000 ચોરસ કિલોમીટર થયું છે. પશુઓનાં
મારણ થતાં હોવાના બનાવ બને છે, સિંહ-માનવ
સંઘર્ષ હજી વધ્યા નથી. 2021ની આસપાસ
કેટલાક સિંહ માનવભક્ષી થયા હોવાના બનાવ બન્યા હતા. સિંહની પ્રકૃતિ પણ માણસનો શિકાર
કરવાની મહદઅંશે નથી, સૌરાષ્ટ્રના
લોકો સિંહની સાથે અનુકૂલન સાધી શક્યા છે. હવે જ્યારે ગુજરાતમાં વાઘ પણ આવી રહ્યો હોવાની
વાત છે, ત્યારે વનવિસ્તાર સૌથી મોટો પ્રશ્ન બની રહેશે. વાઘને જો ગુજરાતની આબોહવા અનુકૂળ આવે તો અહીંના
વન્યજીવન પ્રવાસન માટે મોટો અવસર ગણાશે, પરંતુ તેના વસવાટ માટેનો
જરૂરી વિસ્તાર હોવો જોઈશે. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર એક વાઘને વિહાર-વસવાટ માટે 15 ચોરસ કિલોમીટરનો વિસ્તાર જોઈએ.
તેને ખોરાક જંગલમાં જ મળી રહે તે જરૂરી છે. જો તે નજીકની માનવ વસાહત તરફ પહોંચી જાય
તો જોખમ થઈ જાય. સિંહની વાત અલગ છે, સિંહ અને માનવનું સહઅસ્તિત્વ શક્ય છે અને પુરવાર પણ થયું છે. વાઘ જો ગુજરાતના
જંગલમાં વસે તો પ્રવાસીઓની સંખ્યા વધે. વાઘ, સિંહ, દીપડો ઉપરાંત વિવિધ પ્રજાતિથી ગીર કે મધ્યગુજરાત, વેળાવદર
કે બરડાના જંગલમાં લોકો મોટી સંખ્યામાં જાય, પરંતુ એક વાત આપણે
આમ પણ સમજવાની જરૂર છે કે જંગલ પ્રવાસન સ્થળ નથી, તે પ્રાણીઓના
વસવાટ માટે છે. જંગલમાં વધી ગયેલી માનવીય પ્રવૃત્તિના માઠાં પરિણામ જોયાં છે. વાઘ ગુજરાતમાં
વસશે તે વાત આવકાર્ય છે, ગુજરાતના વન્યવિસ્તાર માટે તે ગૌરવ છે,
પરંતુ તેના જોખમો અંગે આગોતરો વિચાર આવશ્યક છે.