ભુજ, તા. 26 : શહેરના પોલીસના 36 ક્વાર્ટરમાં રહેતા એલ.આર. પોલીસ
દંપતી વચ્ચે ગઇકાલે ઝઘડો વકરતાં પતિએ પત્ની ઉપર પેટ્રોલ છાંટી પત્ની તથા પત્નીના માતાને
માર મારી રૂમ બંધ કરી ગેસ ચાલુ કરી સળગાવી દેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે નલિયા પોલીસ ખાતે એલ.આર.વુ. પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતા કિરણબેન અલ્ફાઝ ઇકબાલ
પંજાએ ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે ગઇકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના માતા પુષ્પાબેન
તુલસીભાઇ સોલંકી સાથે રહે છે. પિતા તુલસીભાઇ તેઓને નાનપણથી જ તેમને તથા માતાને મૂકીને
ચાલ્યા ગયા હતા. અમદાવાદની રથયાત્રાના બંદોબસ્ત દરમ્યાન ગઢશીશા પોલીસ મથકના એલ.આર.
પોલીસ કોન્સ. અલ્ફાઝ ઇકબાલ પંજા સાથે મુલાકાત થઇ હતી અને બાદમાં મોબાઇલની વાતચીત થતી
અને બંનેના પરિવારની સહમતીથી લગ્ન કર્યાં હતાં. ફરિયાદીના બહેનપણી સંતોકબેનના 36 ક્વાર્ટરના મકાનમાં ફરિયાદી
અને તેના માતા રહેતા હતા. પતિ અવાર-નવાર ભુજ આવી તેમની સાથે રહેતા હતા. તા. 25/11ના સવારે પતિ અલ્ફાઝનો ફરિયાદીએ
મોબાઇલ જોતાં તેમાં શેરબજારમાં રોકાણ કરેલું જોતાં આ બાબતે ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઇ
ગાળો આપી ગડદાપાટુનો માર મારી રૂમમાં રાખેલું અડધો લિટર પેટ્રોલ ફરિયાદી ઉપર છાંટી
ફરિયાદી તથા તેની માતાને રૂમમાં બંધ કરી ગેસનો ચૂલો ચાલી કરી ધમકી આપી ચાલી ગયો હતો.
રાડારાડ કરતાં પાડોશીઓએ રૂમથી બહાર કાઢયા હતા. પોલીસે જીવતી સળગાવવા, એટ્રોસિટી સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી
તપાસ આદરી છે.