• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

નેત્રામાં બસ રોકો આંદોલન ખાતરી મળતાં સમેટાયું

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 26 : સરકાર શિક્ષણની જાગૃતિ માટે મોટા કાર્યક્રમ યોજીને પ્રોત્સાહન આપે છે પણ એસ.ટી. તંત્ર ઊણું ઊતરતાં બાળકોના શિક્ષણ પર વિપરિત અસર પડી રહી છે. નખત્રાણા તાલુકાના નેત્રા ખાતે બસ રોકો આંદોલન છેડવામાં આવ્યું હતું. એસ.ટી. દ્વારા ખાતરી મળતાં આંદોલન સમેટાયું હતું. જો એસ.ટી. તંત્ર ખાતરી નહીં પાળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી અપાઇ હતી. ભુજ ડેપોની ભુજ, નારાયણ સરોવર વાયા નેત્રા રૂટ પરની એસ.ટી. બસ સમયસર નહીં આવતાં નેત્રા ગામે વિદ્યાર્થીઓ અને વાલીમંડળે બે કલાક સુધી `બસ રોકો' આંદોલન કરીને તંત્રનું ધ્યાન ખેંચ્યું હતું. નેત્રાની સારસ્વતમ્ સંચાલિત હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા રામપર (સરવા) અને ખીરસરા ગામના 40થી વધુ વિદ્યાર્થીઓ રોજિંદા અપડાઉન કરે છે, પરંતુ એસ.ટી. બસ દરરોજ મોડી આવતાં વિદ્યાર્થીઓ પાસે પાસ હોવા છતાં પગપાળા અથવા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે તેમના અભ્યાસ પર પ્રત્યક્ષ અસર પડી રહી છે. વાલીમંડળ, ગામના જાગૃત નાગરિકો અને વાલીઓ દ્વારા 2017થી ભુજ, નખત્રાણા, અમદાવાદ અને ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઇ અસરકારક કામગીરી ન થતાં અંતે વિદ્યાર્થીઓને સાથમાં રાખીને આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. બપોરથી આંદોલન દરમિયાન બે બસો ગ્રામજનોએ રોકી દીધી હતી. પરિસ્થિતિની જાણ થતાં જ ડેપો મેનેજરે બસ સેવા નિયમિત શરૂ કરવાની લેખિત બાંયધરી આપી હતી. ત્યારબાદ આંદોલન શાંતિપૂર્ણ રીતે સમેટી લેવામાં આવ્યું હતું. આપેલી બાંયધરી મુજબ બસો સમયસર નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ `નેત્રાથી નખત્રાણા સુધી પગપાળા રેલી' કાઢવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

Panchang

dd