• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

નવાનગરમાં હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ભુજ, તા. 26 : આજથી સાડા ત્રણેક વર્ષ પૂર્વે લખપતના પાનધ્રો પાસે નવાનગરમાં તીર્થકુમાર શંકરદયાને આરોપી ગુમાદાન ઉર્ફે ગુમો ઉર્ફે ભવ્ય સરદારદાન ગઢવીએ છાતીમાં છરી મારી હત્યા કર્યાના આ ચકચારી પ્રકરણમાં આરોપી ગુમાદાનને તકસીરવાન ઠેરવી આજીવન કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો છે. આ હત્યા બાદ આરોપીને કડક સજા અર્થે સમાજના આગેવાનોએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ ચકચારી હત્યા પ્રકરણની ફરિયાદમાંની વિગતો મુજબ આરોપી ગુમાદાને અગાઉ નવાનગરના ક્રિકેટનાં મેદાન પાસે ગેરકાયદેસર રીતે ભેંસોનો વાડો બનાવી જમીન પર કબજો કર્યો હતો.  આ બાબતે નવાનગર સમસ્ત બ્રાહ્મણ સમાજે તે વાડો હટાવવા લખપતના મામલતદારને અરજી કરી હતી અને તેની આગેવાની તીર્થકુમારના મોટાબાપુ જવાહર રૂપરામ દયારામે લીધી હતી. આ અંગેનું મન દુ:ખ રાખી ગુમાદાને તીર્થકુમારને છરીનો ઘા મારી હત્યા કર્યાનું ફરિયાદમાં લખાવાયું હતું. આ ચકચારી હત્યા પ્રકરણમાં આરોપી ગુમાદાનને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તથા રૂા. પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફરમાવતો ધાક બેસાડતો ચુકાદો ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડીઆએ આજે આપ્યો હતો. સરકાર તરફે ખાસ નિયુક્ત સરકારી વકીલ યોગેશ ડી. ભંડારકરે હાજર રહી દલીલો કરી હતી. 

Panchang

dd