ભારત અને ચીનના સંબંધ સુધારવાના પ્રયાસ થઈ રહ્યા છે, વ્યાપાર પણ વધી રહ્યો છે, ત્યારે ચીને આપણા અરુણાચલ પ્રદેશ ઉપર દાવો કર્યો છે અને સરહદ અંગે ગૂંચ છે
અને તે ઉકેલવામાં સમય લાગશે એમ કહીને ચીને ભારતને સુફિયાણી સલાહ આપી છે કે,
બંને દેશની સંસ્કૃતિ પુરાતન હોવાથી ચીન અને ભારત શાણપણ દાખવીને સરહદી
વિસ્તારમાં શાંતિ જાળવે અને અરસપરસ સ્વીકાર્ય સમાધાન માટે પ્રયાસ કરે. અત્યારે સરહદ
ઉપર શાંતિ પ્રવર્તે છે, એમ પણ ચીનના એલચીએ કહ્યું છે. અત્યારે
ચીને આ વિવાદ જાણીબૂઝીને શરૂ કર્યો હોય એમ લાગે છે. 21મી નવેમ્બરે એક મહિલા-ભારતીય નાગરિક લંડનથી
જાપાન જઈ રહ્યાં હતાં, ત્યારે શાંઘાઈ
વિમાનમથકે ચીની ઇમિગ્રેશન સ્ટાફે એમની હેરાનગતિ કરી હતી. શાંઘાઈ વિમાનમથકે ત્રણ કલાકનું
રોકાણ ભારે ત્રાસદાયક હતું. પાસપોર્ટમાં મહિલાનું જન્મસ્થળ અરુણાચલ બતાવાયું હોવાથી
તેમનો પાસપોર્ટ ખોટો છે. ઇનવેલીડ છે, એમ કહીને એમને રોકવામાં
આવ્યાં. આ ઘટના પછી ભારતના વિદેશખાતાએ વિરોધ નોંધાવ્યો. અરુણાચલ ભારતનો એક અવિભાજ્ય
ભાગ છે અને આ પ્રદેશ માટે કોઈ વિવાદ નથી એમ પણ જણાવાયું છે. ચીને મહિલાની હેરાનગતિ
થઈ હોવાનો સાફ ઇનકાર કર્યો અને કહ્યું કે, એરલાઇન્સે એમને આરામ
તથા નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી. એમની સાથે કોઈ ગેરવ્યવહાર થયો જ નથી. એમને કોઈ ફરજ
પાડવામાં આવી નથી ! આવો બચાવ કરીને ચીની પ્રવક્તાએ મહિલા પ્રવાસીની અટકાયત વાજબી ઠરાવવાનો
પ્રયાસ કર્યો છે. અમારી સરહદ ઉપર પ્રવેશતા તથા બહાર જતા પ્રવાસીઓની તપાસ કરવાનો નિયમ
અને પ્રણાલી મુજબ કાર્યવાહી થઈ છે! ભારતીય પાસપોર્ટને `ઇનવેલીડ'
ઠરાવવાનાં ચીનનાં પગલાંનો મૂળ મુદ્દો ઘણો ગંભીર છે, તેથી ભારતે પત્ર લખીને વિરોધ દર્શાવ્યો કે, અરુણાચલ ભારતનો
અવિભાજ્ય પ્રદેશ છે અને તે બાબત કોઈ વિવાદ નથી. એટલું જ નહીં આ વિષયમાં ચીન ગમે તેટલી
દલીલ કરે અને ઇનકાર કરે તો પણ આ બિનવિવાદાસ્પદ પ્રદેશની વાસ્તવિકતા નહીં બદલાય. આ પછી
ચીનના વિદેશખાતાના પ્રવક્તાએ સરહદ ઉપર શાંતિ હોવાની અને બંને દેશ વાટાઘાટથી સ્વીકાર્ય
સમાધાન કરશે એવી આશા સાથે જાણે સલાહ આપી છે ! એક બાબત નક્કી છે કે, ચીન ગમે તેટલી સારી-સારી વાતો કરે - તેના ઉપર ભરોસો રાખી શકાય નહીં. અરુણાચલ
પ્રદેશનો વિવાદ જગાવીને કહે છે કે, સમાધાન થતાં ઘણો સમય લાગશે
! અર્થાત ભારતીય વિસ્તાર ઉપર દાવો જારી રાખવા માગે છે, ત્યારે
આપણે સરહદ ઉપર આખરી સમજૂતીની જાહેરાત અને કબૂલાત થાય નહીં ત્યાં સુધી વ્યાપાર સંબંધ
વધારવાની ઉતાવળ નહીં કરવી જોઈએ.