સોનાંના ભાવ ગમે તેટલા વધે તો પણ લોકોનો મોહ ઘટતો નથી. તાજેતરના
મહિનાઓમાં - સોનાંના ભાવમાં ધરખમ વધારો થયો હોવા છતાં માંગ અને ખરીદીમાં ઓટ આવતી નથી.
સોનાંની ખરીદી લોકો `બચત' માટે કરે છે કે સામાજિક મોભા અને પ્રદર્શન માટે?
બચત માટે નક્કર સોનાંને બદલે અન્ય વિકલ્પો સરકારે પણ આપ્યા છે. દાયકાઓ
પહેલાં કેન્દ્રના નાણાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ સોનાં ઉપર નિયંત્રણો મૂક્યાં હતાં.
ચોવીસ કેરેટના બદલે ઓછા કેરેટના અલંકારોની શરૂઆત થઈ, છતાં ગોલ્ડ
કન્ટ્રોલ એક્ટના અમલમાં નાણાપ્રધાન સફળ થયા નહીં, ત્યારે ઉત્તરાખંડની
ગ્રામીણ મહિલાઓએ સુવર્ણ અલંકારોના `પ્રદર્શન' ઉપર સ્વૈચ્છિક
પ્રતિબંધ મૂકીને સામાજિક સુધારાની નવી શરૂઆત કરી છે, તેથી તેઓ
અભિનંદનના અધિકારી છે. રાજ્યના `કેદાડ' અને ઇન્દ્રોલી
ગામમાં આ નિયમ લાગુ થઇ ગયો છે અને મહિલાઓને માત્ર ત્રણ આભૂષણ પહેરવાની છૂટ આપવામાં
આવી છે, તેમાં ઝુમખા નથી, મંગળસૂત્રનો સમાવેશ
થાય છે, એટલું જ નહીં આ નિયમનો ભંગ કરનારને પચાસ હજારનો દંડ પણ
ભરવાનો રહે છે. આ નિયમ લાવવા પાછળ સોનાંની વધતી કિંમતોનું કારણ અપાયું છે. એક ગ્રામજનના
કહેવા પ્રમાણે સોનાંની ઊંચી કિંમતોનાં કારણે પરિવારમાં ખોટી તાણ ઊભી થતી હતી,
તેનાં પરિણામે આવો નિયમ અમલી બનાવાયો છે. વાસ્તવમાં અન્ય રાજ્યોની મહિલાઓએ
ઉત્તરાખંડનું અનુકરણ કરવું જોઈએ. લગ્નપ્રસંગે સુવર્ણ અલંકારોનું પ્રદર્શન કરવાની સ્પર્ધામાં
ગરીબ પરિવારો બરબાદ થાય છે. દીકરીઓના લગ્નપ્રસંગ ખુશીને બદલે પરિવારો માટે પારાવાર
સંકટનો બની જાય છે, તેથી મહિલા મંગળદળ અને યુવા મંગળદળના આગેવાનોએ
સમાજની મહિલાઓને અનુરોધ કર્યો છે કે, નાક-કાનના દાગીના તથા એક
મંગળસૂત્ર સિવાય અલંકારોનું પ્રદર્શન કરવું નહીં. આ ઉપરાંત લગ્નપ્રસંગે શરાબ - દારૂની
પાર્ટી રાખનાર પરિવારનો સામાજિક બહિષ્કાર થશે એવી જાહેરાત પણ થઈ છે. હવે દેશભરમાં કેટલાં
મહિલામંડળો ઉત્તરાખંડનું અનુકરણ કરશે?