સર્વોચ્ચ અદાલતે વધુ એક વખત સરકારોની બુલડોઝર કાર્યપદ્ધતિની
સામે લાલઆંખ કરી છે. મંગળવારે અદાલતે એક આદેશ આપીને પહેલી ઓક્ટોબર સુધી દેશમાં તેના
આદેશ વગર બુલડોઝરથી કોઇની મિલકત તોડી પાડવા સામે મનાઇ ફરમાવી દીધી છે. જો કે, અદાલતે તેના આ આદેશમાંથી
જાહેર માર્ગ કે ફૂટપાથ પરનાં દબાણ અથવા અન્ય કોઇ પણ ગેરકાયદે બાંધાકામને બાકાત રાખીને
સરકારને આવા બાંધકામ તોડી પાડવાની મનાઇમાંથી છૂટછાટ આપી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી અમુક ગુનેગાર કે ગેરકાયદે
કામ કરનારા આરોપીનાં ઘર અથવા તો અન્ય બાંધકામને ધ્વસ્ત કરવાનાં કડક પગલાં લેવાઇ રહ્યાં
છે. આ પગલાંની કાયદેસરતા સામે પીડિત પક્ષો સતત સવાલ ખડા કરતા રહ્યા છે. આવામાં મંગળવારે
સર્વોચ્ચ અદાલતે બુલડોઝર ન્યાયના સંદર્ભમાં વધુ એક વખત પોતાનો સ્પષ્ટ અને કડક મત વ્યક્ત
કર્યો છે. લોકોમાં ભારે આવકારદાયક બની રહેલી આ બુલડોઝર ન્યાયની કાર્યવાહીને રાજ્ય સરકારો
પોતાની લોકપ્રિયતા વધારવા માટે સરળ માર્ગ માનવા લાગી છે. અદાલતે આવી રીતે લોકપ્રિયતા
માટેના ઇરાદાને રોકવા કહ્યંy છે. જો કે, આવી કાર્યવાહી પ્રચલિત કરનાર ઉત્તરપ્રદેશ સરકારના
મુખ્ય ધારાશાસ્ત્રીએ એવો બચાવ કર્યો હતો કે, બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કાયદેસરની
પ્રક્રિયા બાદ જ હાથ ધરાય છે. સર્વોચ્ચ
અદાલતે એક તરફ આરોપી હોય તેના ઘર કે મિલકતને તોડી પાડવા સામે કડક વલણ લીધું છે, તો
બીજી તરફ ગેરકાયદે બાંધકામ અને દબાણ તોડી પાડવા સામે કોઇ મનાઇ ફરમાવી નથી. આમ રાજ્ય સરકારો જો કોઇ ગુનેગારની ગેરકાયદે મિલકત
કે બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી તમામ કાયદેસરની વિધિ સાથે કરે તો તેમાં સર્વોચ્ચ
અદાલતને કોઇ વાંધો હોવાનું તાગ મનાઇહુકમ પરથી જણાઇ આવે છે. ભારતીય ન્યાયતંત્રમાં ગંભીર અપરાધના આરોપીઓને પણ સાંભળીને પુરાવા
ચકાસીને ન્યાય કરવાની પદ્ધતિ છે. ઘણીવાર વહીવટીતંત્ર પોતાની ધાક બેસાડવા માટે ઉતાવળે તોડફોડ કરવા મંડી પડતા
હોય છે. સુકાંભેગું લીલું એ બળી જાય એવો તાલ ઉભો થતો હોય છે. અદાલતનો મત સ્પષ્ટ છે
કે, કોઇ પણ આરોપીની સામે બુલડોઝરનો ન્યાય ચલાવી શકાય નહીં, પણ આનો અર્થ એ પણ ન થવો
જોઇએ કે આ આદેશથી ગેરકાયદે બાંધકામને કોઇ પણ જાતનું રક્ષણ મળી જાય. હવે જોવાનું એ રહેશે
કે, પહેલી ઓક્ટોબરની મુદ્દત બાદ સર્વોચ્ચ અદાલત કેવું વલણ લેશે તથા સરકારો હવે ગેરકાયદે
બાંધકામોને નિશાન બનાવવા કેવો માર્ગ લેશે.