• શનિવાર, 27 જુલાઈ, 2024

ચૂંટણીના સમયમાં પણ મોંઘવારીનો બોજો વધ્યો

ભારતના ઝડપી આર્થિક વિકાસની  સામે મોંઘવારી એક મોટો વણઉકેલ પડકાર બની રહ્યો છે. વખતે પણ મોંઘવારીનું પ્રમાણ ચિંતાજનક સ્તરે રહ્યંy છે. ગયા મહિને છુટક મોંઘવારીનો દર વધીને 7.74 ટકાએ પહોંચી ગયો હતો. જ્યારે જથ્થાબંધ મોંઘવારીનો આંક છેલ્લા 13 મહિનાની સર્વોચ્ચ  સપાટીએ પહોંચી ગયો છે. ગયા મહિને મોંઘવારીનો જથ્થાબંધ આંક 1.26 ટકા હતો, જે ગયા વર્ષે માર્ચ મહિનામાં 1.41 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત વધી રહી છે. વધતી જતી જથ્થાબંધ મોંઘવારી માટે એપ્રિલ મહિના દરમ્યાન વીજળી, ક્રૂડ તેલ, કુદરતી ગેસ, ખાતર, બાંધકામના માલસામાનની કિંમતમાં વધારાને કારણરૂપ ગણાવાઇ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જથ્થાબંધ મોંઘવારી વધવા પાછળનાં કારણો તો દર્શાવ્યાં  છે, પણ સ્થિતિ કઇ રીતે અને ક્યારે સુધરશે એનું કોઇ વિવરણ આપ્યું નથી.વિશ્વમાં જે રીતે સંઘર્ષનાં સમીકરણો ગંભીર સ્વરૂપ લઇ રહ્યાં છે, તેને જોતાં ક્રૂડ તેલના અને કુદરતી ગેસના ભાવોમાં ક્યારે ઘટાડો થશે કહી શકાય તેમ નથી. વળી, બાંધકામ ક્ષેત્ર અને વીજળીનાં ક્ષેત્રમાં મોંઘવારી વધવા પાછળનાં કારણો સ્પષ્ટ છે. એક તરફ કોલસાનાં ઉત્પાદનમાં જોઇએ એવો વેગ નથી. માંગને પહોંચી વળવા કોલસાની આયાત વધી છે. આયાતી કોલસો મોંઘો પડતાં વીજ ઉત્પાદન મોંઘું થઇ રહ્યંy છે. મોંઘવારીનો પડકાર સરકાર  અને દેશ સામે ભારે ગંભીર બની ચૂક્યો છે. સરકારે વિકાસદરનાં અસંતુલનને દૂર કરવા માટે ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. વિવિધ ક્ષેત્રોમાં વિકાસદરની વચ્ચેનાં ભારે અસંતુલનને લીધે મોંઘવારીનો બોજો વધી રહ્યો છે. વળી, જથ્થાબંધ મોંઘવારી વધે તો તેની સીધી અસર છુટક મોંઘવારી પર પડે છે.  વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો છુટક કિંમતો પણ વધી જતી હોય છે. વળી, મોંઘવારીનું પ્રમાણ જથ્થાબંધ ભાવાંકના આધારે નક્કી થતું હોય છે, એટલે વાસ્તવમાં બજારમાં  મોંઘવારી ખરા અર્થમાં ઘણી વધુ રહેતી હોય છે. સરકારી આંકડામાં મોંઘવારી ઓછી હોય છે, પણ બજારમાં તેનું પ્રમાણ વધુ હોવાનું ઘણી વખત સામે આવી ચૂક્યું છે. આમ તો સરકાર અને રિઝર્વ બેંક મોંઘવારીને કાબૂમાં રાખવા વર્ષોથી કવાયત કરતા રહ્યા છે, પણ તેમના પ્રયાસો માત્ર બેંકના દરો પર કેન્દ્રિત રહેતા આવ્યા છે. રિઝર્વ બેંક દેશમાં મોંઘવારીને પાંચ ટકાથી નીચે રાખવાનો ઇરાદો ધરાવે છે. માટે તે મોટાભાગે બેંકના દરોને વધારવાનાં પગલાં લેતી આવી છે. દરોને ઘટાડવાનું તે વિચારી શકે તેમ નથી. અત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ જામેલો છે, ત્યારે વિરોધપક્ષો મોંઘવારી અને બેરોજગારીને મુખ્ય મુદ્દો બનાવી રહ્યા છે. આવામાં જથ્થાબંધ ભાવાંક વધુ રહેતાં તેમને સત્તાધારી પક્ષની ટીકા માટેનું વધુ એક શસ્ત્ર હાથે લાગશે નક્કી છે. ખરેખર દેશમાં આર્થિક વિકાસને વેગ મળ્યો છે, ત્યારે મોંઘવારીનો પડકાર સોનાંની થાળીમાં લોઢાંના મેખ સમાન બની રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang