ભુજ, તા. 22 : પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યની
તમામ 182 વિધાનસભા બેઠક પર આજે એકસાથે
નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની તમામ છ વિધાનસભા
બેઠક અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર ખાતે પણ નૂતન વર્ષ સ્નેહમિલનના
કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં
જણાવ્યું કે, ગુજરાતના લોકો સાથેની મારી લાગણી, વિશ્વાસ અને આત્મીયતા હંમેશાં અકબંધ રહેશે. વડાપ્રધાને કચ્છને વિશેષ રીતે યાદ
કરતાં જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ કચ્છે જે રીતે પુન:નિર્માણ
અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે તે સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ભારતના સંકલ્પને
સાકાર કરવા રાજ્યના નાગરિકોને મજબૂત આગેવાની લેવા આહ્વાન કર્યું હતું. પ્રદેશ ભાજપ
અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, ભાજપમાં પદ કરતાં પરિશ્રમ
અને સમર્પણને વધુ મહત્ત્વ આપવામાં આવે છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ વિવિધ
વિધાનસભા ક્ષેત્રોમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને સંબોધન કરી નૂતન વર્ષની શુભેચ્છાઓ
પાઠવી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદનાં માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ મહામંત્રી
અને માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ
છાંગા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનાસિંહ
જાડેજા, વીરેન્દ્રાસિંહ જાડેજા તેમજ માલતીબેન મહેશ્વરીની આગેવાનીમાં
તેમની વિધાનસભા બેઠકો પર યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો,
હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અંજાર વિધાનસભા
ખાતે, જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રભાબેન હુણ પણ અંજાર ખાતે,
ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી
ધવલભાઈ આચાર્ય ગાંધીધામ વિધાનસભા ખાતે તેમજ મહામંત્રીઓ હિતેષભાઈ ખંડોર અને ભીમજીભાઈ
જોધાણી ભુજ વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા હતા, તેવું જિલ્લા ભાજપ
મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી અને સહઇન્ચાર્જ ચેતનભાઈ કતિરા અને દીપકભાઈ ડાંગરની
સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.