નવી દિલ્હી, તા. 22 : નેટવર્ક ઓફ
વિમેન ઇન મીડિયા-ઇન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કાયદો-વ્યવસ્થા જાળવવાનાં નામે પત્રકારત્વમાં
દખલ કરવાનો વ્યાપક આધાર બનાવી શકાય નહીં. સંસ્થા દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે,
ઓક્ટોબરમાં દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સામે થયેલાં
વિરોધ પ્રદર્શન દરમિયાન રિપોર્ટિંગ કરતાં પત્રકારોને બળજબરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા
હતા અને તેમના ઉપર હુમલા પણ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસનાં જવાબી સોગંદનામા ઉપર
દાખલ પ્રત્યુત્તરમાં સંસ્થાએ કહ્યું હતું કે, પત્રકારોને રિપોર્ટિંગ
કરતા રોકવા, પરાણે હટાવવા, તેમના ઉપર હુમલો કરવો કે તેમનું યૌન ઉત્પીડન કરવું તેમનાં
મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. આનાથી તેમની વ્યક્તિગત સ્વતંત્રતા, શારીરિક સુરક્ષા, વ્યવસાયિક આઝાદી અને પ્રેસની સ્વતંત્રતા
પ્રભાવિત થાય છે. સંસ્થાએ આગળ પોતાના જવાબમાં કહ્યું હતું કે, પત્રકારોને જોખમભરી સ્થિતિમાં પણ રિપોર્ટિંગ કરવાનો અવસર મળવો જોઈએ. આવી સ્થિતિમાં
તેમને હટાવવાના બદલે સુરક્ષા પૂરી પાડવી જોઈએ, જેથી તે પોતાનાં
કામ ચાલુ રાખી શકે. ઉલ્લેખનીય છે કે,
દિલ્હી પોલીસે પોતાનાં સોગંદનામામાં કહ્યું હતું કે, તે અખબારી સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે અને જંતર-મંતરનાં વિરોધ પ્રદર્શનમાં
રીલ બનાવનારા અને પત્રકારોને અલગ તારવવામાં આવ્યા હતા.