રાજકોટ, તા. 22 : ગઝલના ચાહકો તો બરાબર, ગઝલને પોતાને પણ આંચકો લાગે તેવી ઘટના બની છે.
પ્રતિષ્ઠિત ગઝલકાર રાજેન્દ્ર શુક્લનું આજે 84 વર્ષની વયે અમદાવાદ ખાતે અવસાન થયું હતું. તેમની જ એક ગઝલનો
શેર, `કો'ક ત્રિભેટે થઈશું ભેળા, લ્યો હવે ફંટાય છે કેડી' આજે ન ગમે તે રીતે સાચો પડયો
છે. સાહિત્યકારોમાં શોકની લાગણી ફેલાવતા આ સમાચાર જેવા મળ્યા કે તરત જ વિવિધ માધ્યમો
પર રાજેન્દ્રભાઈ સાથેની તસવીરી, તેમના શેર લોકોએ સ્મરણ સ્વરૂપે
મૂક્યા હતા. ગુજરાતી ગઝલ ક્ષેત્રે પરંપરાને જાળવીને પ્રયોગશીલ પણ રહેલા રાજેન્દ્રભાઈએ
ગઝલની ભવ્ય ઈમારતમાં બારિક નક્શીકામ કર્યું હતું. તા.12 ઓક્ટોબર, 1942ના રોજ જૂનાગઢના
બાંટવામાં જન્મેલા રાજેન્દ્રભાઈએ 22 નવેમ્બર, 2026ના દિવસે અમદાવાદ ખાતે અંતિમ
શ્વાસ લીધા. એમ કહી શકાય કે, ગુજરાતી
ગઝલનો એક કાળખંડ સમાપ્ત થઈ ગયો. રાજેન્દ્રભાઈના પુત્ર જાજવલ્ય શુક્લએ આપેલી માહિતી
મુજબ થોડા દિવસો પહેલાં તેમને હૃદય સંબંધિત મુશ્કેલી જણાતા તા. 16મીએ ડૉક્ટરની સલાહ લેવાઈ હતી. તેમણે બાયપાસ
સર્જરી કરાવવા જણાવ્યું હતું. તે દરમિયાન તેમને કોઈ ઇન્ફેક્શન હોવાનું નિદાન થતાં શનિવારે
રાત્રે ગોલ્ડબ્લેડર સંબંધિત ઓપરેશન પણ થયું હતું પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. શનિવારે
રાત્રે જાણે કોઈ સંકેત આપતા હોય તેમ તેમણે કહ્યું હતું કે, `આ દેહ હવે
દેહધર્મીઓને સોંપી દીધો છે' એટલે કે,
ડોક્ટર પોતાના પ્રયાસ કરે છે તેમના કાન પાસે રમણ મહર્ષિની પ્રાર્થના
વગાડવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, મને અજવાળું... અજવાળું
એવા શબ્દો સંભળાઈ રહ્યા છે. ડોક્ટરોએ પરિવારને કહ્યું કે બહુ ઓછા દર્દી હોય કે આટલી
પીડા હોવા છતાં કોઈ ફરિયાદ ન કરે. એક વખત હૃદય બંધ પડીને શરૂ પણ થયું હતું પરંતુ આજે
સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષો પહેલાં જૂનાગઢ છોડી દીધું હોવા છતાં તેમનો
જૂનાગઢ પ્રેમ અપાર હતો. સંસ્કૃત અને પ્રાકૃત જેવી પ્રાચીન ભાષાઓના ગહન અભ્યાસની પૂર્ણ
અસર તેમણે સર્જનમાં ઝીલી હતી. સંસ્કૃતના છંદો, પ્રાકૃતની ભાષાસમૃદ્ધિ
ભારતીય દર્શનની વિચારધારાને તેમણે ગઝલના આધુનિક સંવેદનો સાથે જોડયા હતા. ગુજરાતી ગઝલ
ફક્ત વિરહ, લાગણી, પ્રેમ પૂરતી સિમિત ન
રહેતાં અસ્તિત્વનાં ઊંડાણ, જીવનલક્ષી બાબતો, આત્મખોજ માનવીની આંતર-બાહ્ય ચેતના અને આધ્યાત્મિક અનુભૂતિ જેવા વિષયોમાં વિસ્તરી
હતી. સંસ્કૃત અને ગુજરાતીનાં અધ્યાપનમાં રહેલા રાજેન્દ્રભાઈ તથા તેમને પત્ની નયનાબેને
1982માં પરંપરાગત અધ્યાપનમાંથી
નિવૃત્તિ લીધી હતી. વર્ષ 1970માં પ્રકાશિત
થયેલો પ્રથમ કાવ્ય સંગ્રહ `કોમલ રિષભ' તેમનામાં પડેલી કવિ તરીકેની અપાર સંભાવનાઓનો
જીવંત સંકેત હતો ત્યાર બાદ `અંતરગાંધાર, સ્વવાચકની શોધ' જેવા સંગ્રહ અને 2005માં પ્રકાશિત ગઝલ સંહિતાના
પાંચ ભાગ રાજેન્દ્ર શુક્લના સર્જનના પૂર્ણત્વના પુરાવા છે, તે પછી પણ તેમનું સર્જન સતત ખીલતું રહ્યું હતું.
2012માં સેંજળ કાવ્ય સંગ્રહમાં
પણ તેમની ઉત્તમ ગઝલો ગઝલ પઠનની તેમની છટા અને શૈલી પણ ભાવકોના કાનને સતત આંજતી રહી
હતી. પત્ર ગઝલ, રતિવાર્તિક જેવા ગુચ્છ
તેમની કાવ્ય યાત્રાના મહત્વના પડાવ હતા. પુત્રો જાજવલ્ય અને ધૈવતને પરંપરાગત શિક્ષણ
ન આપીને બન્નેને જીવનલક્ષી તેમણે બનાવ્યા હતા. ગુજરાતી ગઝલ ક્ષેત્રે તેમની સાધના અવિસ્મરણીય
રહેશે.