ભુજ, તા. 21 : બંધારણ એ દેશના લોકતંત્રનો
મહત્ત્વનો આધાર છે. બંધારણનું ગૌરવ દેશના દરેક નાગરિકને હોવું જોઈએ, આ બાબતને ઉજાગર કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ 2015ની સાલથી 26 નવેમ્બરના દિવસને સંવિધાન ગૌરવ
દિવસ તરીકે ઊજવવાની પ્રણાલી શરૂ કરી છે, તેવું ભુજમાં કચ્છ કમલમ્ ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ ભાજપના
મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું. કચ્છ કમલમ્ ખાતે આયોજિત
પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, કોંગ્રેસ સત્તા મેળવવા માટે હવાતિયાં મારતી કોંગ્રેસે હંમેશાં બંધારણનો દુરુપયોગ
કરી લોકોને ગુમરાહ કરવાનું કાર્ય કર્યું છે, જ્યારે ભાજપે ડો.
બાબાસાહેબ આંબેડકર સર્વને સમાન ન્યાય - અધિકારના સિદ્ધાંતને અનુસરી ગૌરવ-સન્માન અપાવ્યું
છે. શ્રી દવેએ જણાવ્યું કે, કોંગ્રેસે 90 વખત 356ની કલમનો ઉપયોગ કરી લોકમતથી
ચૂંટાયેલી સરકારને ઊથલાવી છે. દેશમાં કટોકટી લાદી કોંગ્રેસે જ બંધારણ સાથે અહિત કરવાનું
કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે હાથીની અંબાડી પર સંવિધાન પ્રતીકને
બેસાડી યાત્રા નીકાળી હતી. વડાપ્રધાન બન્યા બાદ તેમણે સંવિધાન ગૌરવ દિવસ ઊજવવાની પહેલ
કરી, આ દિવસ ન માત્ર કાયદાવિદો્ બલ્કે આખા દેશના નાગરિકો માટે
ઉત્સવ ઊજવવાનું માધ્યમ બન્યો છે. શ્રી મોદીએ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મભૂમિ,
કર્મભૂમિ, દીક્ષાભૂમિ, ચૈતન્ય
ભૂમિ અને મહાનિર્વાણ ભૂમિને પંથતીર્થ તરીકે વિકસાવી ઉચિત સન્માન આપ્યું છે. જિ. ભાજપ
અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કચ્છમાં થનારી સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અંગે માહિતી આપતાં
કહ્યું કે, 25મી તારીખે
સાંજે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફસફાઈ કરી તેમની પ્રતિમા પાસે દીવડા પ્રગટાવવામાં
આવશે. 26 નવેમ્બર સંવિધાન ગૌરવ દિવસે
જૂના ભાજપ કાર્યાલયથી ડો. આંબેડકરની પ્રતિમા સુધી રેલી યોજાશે. કચ્છ યુનિ. ખાતે વિદ્યાર્થીઓ
સાથે સંવિધાન ગોષ્ઠી ઉપરાંત લાલન કોલેજ ખાતે વર્કશોપ સહિતના કાર્યક્રમો યોજાશે. પત્રકાર
પરિષદમાં જિ. ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોધાણી ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા
મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી, ચેતન કતિરા, દીપક ડાંગર અને અનવર નોડેએ સંભાળી હતી. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ એસઆઈઆર મુદ્દે
પત્રકારો સાથે સંવાદ કર્યા હતા.