કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 21 : શિવાજી પાર્ક (દાદર)માં યોજાયેલી
12 કલાકની અલ્ટ્રા મેરેથોન (71 કિ.મી.)નું અંતર રાજેશભાઈ ભદ્રા
(52) એ પૂરું કરીને ફિટનેસનો કીર્તિમાન
સ્થાપિત કર્યો છે. કચ્છમાં બિટિયારી (અબડાસા)ના મૂળ વતની અને ઘાટકોપર - અસલ્ફામાં રહેતા
રાજેશ ઓધવજી ભદ્રા માત્ર બે વરસ દોડવાની કેરિયર ધરાવે છે. સ્પોર્ટ્સમાં રસ નથી. ક્રિકેટ
ક્યારેય રમ્યા નથી, સોશિયલ મીડિયા
પર નજર માંડતા મેરેથોન વિષે ખબર પડી. ઉંમર વધી ગઈ હોવા છતાં કોશિશ કરવાનું નક્કી કર્યું.
રાજેશ ભદ્રાએ આ માહિતી આપતાં જણાવ્યું કે, `હું 500 મીટર ચાલુ
તો પણ પરસેવે રેબઝેબ થઈ જાઉં. એકવાર ફેસબુકમાં જોયું, પાંચ કિ.મી. રન વિશે જાણ્યું, દોડવું એટલે દોડવું એ સિવાય કાંઈ ખબર નહીં. મરોલ મેરેથોન સેવન હિલ્સ હોસ્પિટલ
પાસેથી શરૂ થવાની હતી. હું મારા રોજનાં કપડાં પહેરીને દોડયો, દોડવાથી પહેલાં બધા વોર્મઅપ કરતા હતા. મને થયું કે, દોડતા
પહેલાં શા માટે થાકે છે? રનમાં ભાગ લીધો. ટી-શર્ટ-નાસ્તો મળ્યો,
પછી ઘરે આવ્યો. છ મહિના પછી ખબર પડી કે, મેરેથોનનું
ફ્રી સેસન છે. પાંચ કિ.મી. દોડવાનું હતું. કેમ દોડવું, કેવા શૂઝ
પહેરવા વગેરે સમજાવ્યું. મરોલ મેરેથોનમાં પાંચ કિ.મી. 37 મિનિટમાં પૂરા કર્યા હતા. આ
વખતે દસ કિ.મી.માં ભાગ લીધો, હાર્ટબીટની
ખબર પડે એ માટે વોચ લીધી. રન પૂરી કરી. રાજેશભાઈએ કહ્યું, બે
વરસમાં પાંચ કિ.મી.ની રન-ચાર, દસ કિ.મી.ની 5, 21 કિ.મી.ની 6 અને તાતા મુંબઈ મેરેથોન 43 કિ.મી.ની એક પૂરી કરી છે. લોનાવલામાં
35 કિ.મી.ની રને બે કરી હતી. એમણે
કહ્યું, મારી માત્ર બે વરસની રન કેરિયર છે. કેન્સર રોગીઓના
લાભાર્થી 15મી ઓગસ્ટના
અલ્ટ્રા મેરેથોન યોજાઈ હતી. તેમાં ભાગ લીધો. 71 કિ.મી.ની દોડ મેં 12 કલાકમાં પૂરી કરી હતી. બે વરસના ટૂંકા ગાળામાં હું બાવન વરસનો
આટલું કરી શકું તો યુવાન વ્યક્તિ તો મારા કરતાં બમણું કરી શકે! જે આરોગ્ય માટે સારું
છે. હું સવારના નવથી સાંજે છ વાગ્યાની નોકરી કરું છું પણ મારી સફળતાથી યુવાવર્ગ પ્રેરણા
લે તો મારો પ્રયાસ સફળ ગણાશે.