• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

લક્કી ડુંગરની હારમાળામાં આવેલું પ્રાચીન સૂતેશ્વર મહાદેવ મંદિર

રફીક ચાકી દ્વારા : કોટડા (ચ.), તા. 21 : ભુજ તાલુકાના લક્કી ડુંગરની હારમાળામાં પ્રકૃતિના રમણીય વાતાવરણ વચ્ચે આવેલું પૌરાણિક સૂતેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભાવિકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. તળાવના કિનારે અને લીલાછમ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર દર્શનાર્થીઓને ધાર્મિક શાંતિ સાથે કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવે છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં વડવા (હોથીજી), જાંબુડી, રેહા, કોટડા, કુકમા, માધાપર, પદ્ધર, લાખોંદ સહિત 25થી વધુ ગામોના ભાવિકો સૂતેશ્વર મહાદેવના દર્શન અને પૂજન માટે પહોંચે છે. મંદિર પરિસરના વિકાસ માટે સ્થાનિક દાતાઓના સહયોગથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર નજીક આવેલું વર્ષો જૂનું વડલાનું વૃક્ષ પણ અહીંનું આગવું આકર્ષણ છે. આ વડલો માલધારીઓ, રાહદારીઓ અને યાત્રાળુઓ માટે છાંયડો અને શીતળ આશ્રય પૂરો પાડે છે. તેની સાથે આવેલી સેલોર વાવ પણ વિસ્તારના ઐતિહાસિક વારસાની યાદ અપાવે છે. શ્રાવણ માસમાં સૂતેશ્વર મહાદેવનાં દર્શને આવતા ભાવિકો માટે અહીંનું ધાર્મિક વાતાવરણ, હરિયાળી પ્રકૃતિ, તળાવ અને ઐતિહાસિક સ્થળો એકસાથે આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક અનુભૂતિ કરાવે છે.

Panchang

dd