• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

અજાપર : ફિલ્મી ઢબે સશત્ર લૂંટથી ભારે ચકચાર

ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના અજાપર સીમમાં નવકાર ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે સનસનાટીભર્યો લૂંટ સાથે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. બાઈક પર જઈ રહેલા ખેડૂત પાસે આવી ધક્કો મારી નીચે પાડી દેનારા ત્રણ લૂંટારુંઓએ ફાયરિંગ કરી રૂા. 90,000ની ચેઈનની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. વરસામેડી શાંતિધામ-બેમાં રહેનાર મૂળ આંબાપરના ખેડૂત ધનજી રામજી ખાટરિયા (આહીર) આજે સવારે પોતાની મોટી દીકરી મોહિતા સાથે બાઈક પર અંજારની ડો. શ્યામસુંદર હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલમાં કામ કરતી દીકરીને ત્યાં ઉતારી આ ફરિયાદી બાઈક લઈને ગોરીશંકર ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મિત્ર લક્ષ્મણ સુથારને મળવા જઈ રહ્યા હતા. વરસામેડી ટોલ નાકા થઈને અજાપર પાટિયે થઈ પુલ પાસે પહોંચતાં પાછળથી કાળા રંગની એક બાઈક ઉપર ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા, જે પૈકી સૌથી છેલ્લે બેસેલા શખ્સે ધક્કો મારતાં ફીરયાદી નીચે પડી ગયા હતા. ફરિયાદી ઊભા થવા જતાં આ ત્રણ શખ્સો બાઈકથી નીચે ઊતરી તેમની પાસે આવ્યા હતા અને વચ્ચે બેઠેલા શખ્સે પિસ્તોલ જેવું હથિયાર કાઢી ખેડૂતને બતાવી હિન્દી ભાષામાં તારા પાસે જે હોય તે બાર કાઢ નહીં તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હવામાં ફાયરિંગ કર્યું હતું. મોતની ધમકીથી ફરિયાદી ગભરાઈ ગયા હતા તેવામાં આ શખ્સોએ ખેડૂતના ગળામાંથી રૂા. 90,000ની 30 ગ્રામની સોનાંની ચેઈનની લૂંટ ચલાવી હતી. એક લૂંટારુ બાઈક પર બેસી ગયો હતો ત્યારે બે શખ્સોએ ફરિયાદીએ પહેરેલ વીંટી લૂંટવા પ્રયાસ કરતાં આ ખેડૂતે તેનો પ્રતિકાર કર્યો હતો. તેવામાં આ લૂંટારુ પૈકીના શખ્સે પિસ્તોલ જેવા હથિયાર વડે ઊંધા ઘા માર્યા હતા અને તેમને મારી નાખવાના ઈરાદે ફરીથી તેમની સામે જ ફાયરિંગ કરતાં પિસ્તોલના છરા આ ખેડૂતના પેટના ડાબી બાજુના ભાગે  લાગ્યા હતા. તેવામાં ફરિયાદી યુવાને રાડારાડ કરતાં ત્રણેય શખ્સો બાઈક ઉપર બેસીને ભાગી ગયા હતા. બનાવ બાદ આ યુવાને હિંમત દાખવીને લોહીલુહાણ હાલતમાં બાઈક ચલાવી નજીકમાં પ્લાયવૂડના કારખાને કામ કરતા હિતેશ ગઢવીને ત્યાં પહોંચ્યા હતા જ્યાં આ યુવાન ખેડૂતને સારવાર અર્થે લઈ જવાયા હતા. તેમને વધુ સારવાર અર્થે શ્યામસુંદર હોસ્પિટલ લઈ જવાતાં માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા. આ લૂંટારુઓ પૈકી ચાલકે કાળા રંગનું ટી-શર્ટ અને બ્લુ પેન્ટ પહેર્યા હતા. વચ્ચે બેઠેલા શખ્સે માથા પર પોપટી રંગનો ફટકો બાંધ્યો હતો. પાછળના શખ્સે સફેદ ટી-શર્ટ અને બ્લુ રંગનું પેન્ટ પહેર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસમાં દોડધામ થઈ પડી હતી. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આમ ધોળા દિવસે ફાયરિંગ સાથે લૂંટના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી છે.

Panchang

dd