ઈસ્લામાબાદ, તા. 21 : પાકિસ્તાનના
પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને મેડિકલ તપાસ બાદ શુક્રવારે ફરીથી અદિયાલા જેલ મોકલી દેવાયા
હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરૂવારે મોડી રાત્રે ઈમરાન ખાનને શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલ
લઈ જવાયા હતા. તબીબોએ તપાસ બાદ મેડિકલી ફીટ ગણાવ્યા હતા અને સવારે પાંચ વાગ્યા આસપાસ
જેલ મોકલી દેવાયા હતા. પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે ઈમરાનને જેલમાં
પરત લઈ જવાયાની પુષ્ટિ કરી હતી. તરારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ઈમરાન ખાનને ગુરૂવારે રાત્રે સુરક્ષા વ્યવસ્થા
વચ્ચે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં વિશેષજ્ઞ તબીબોની ટીમે તપાસ કરી હતી.
જેમાં હૃદય રોગ નિષ્ણાત અને એક ફિઝિશિયન સામેલ હતા. તબીબોની પુરી તપાસ બાદ ઈમરાનને મેડિકલી ફીટ ગણાવ્યા
હતા. આ દરમિયાન ઈમરાનના બહેન ઉઝમા ખાન પણ તપાસ અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં હાજર
રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટના ઈમરાનને શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલે દાખલ કરવાનો આદેશ
આપ્યો હતો. કોર્ટ સામે રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં તેમને લેવલ થ્રી પ્લસ એંગ્ઝાયટીથી
પીડિત ગણાવાયા હતા. કોર્ટે આદેશ કર્યો હતો કે બે દિવસની અંદર ઈમરાનને દાખલ કરવામાં
આવે અને આગામી સુનાવણી એટલે કે 16 સપ્ટેમ્બર
સુધી ત્યાં જ રાખવામાં આવે.