• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

ગાંધીધામમાં ટ્રેઇલરની હડફેટે

ગાંધીધામ, તા. 21 : શહેરમાં આરતી હોટેલ સામે ઓવરબ્રિજ ઉપર ટ્રેઇલરે એક્ટિવાને હડફેટમાં લેતાં એક્ટિવા ચાલક જિતેન્દ્રસિંહ રામભરસિંહ નામના આધેડનું મોત થયું હતું. બીજી બાજુ અંજારના પશુડામાં ભારતીબેન મોહન ઉંદરિયા (ઉ.વ.50)એ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. શહેરના ઉદયનગર (ઇફકો કોલોની)માં રહેતા તેમજ ઇફકોમાં નોકરી કરતા જિતેન્દ્રસિંહ નામના આધેડને ગત તા. 31/7ના રાત્રે અકસ્માત નડયો હતો. આ આધેડ એક્ટિવા નંબર જી.જે.-39-બી-4190 લઇને સુથારી કામ કરનાર વ્યક્તિને મૂકવા કાર્ગો ઝૂંપડપટ્ટી બાજુ ગયા હતા. ત્યાંથી તે પરત આવી રહ્યા હતા, ત્યારે આરતી હોટેલ સામે ઓવરબ્રિજ પર પહોંચતાં સામેથી આવતાં ટ્રેઇલર નંબર જી.જે.-39-ટી-9210એ આ મોપેડને હડફેટમાં લીધું હતું, જેમાં મોપેડચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં હાજર તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ટ્રેઇલરચાલક સામે રાહુલકુમાર જિતેન્દ્રસિંહએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો એક બનાવ પશુડા ગામમાં બન્યો હતો. અહીં રહેનાર ભારતીબેન નામના મહિલા ગઇકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે કોઇ અગમ્ય કારણોસર તેમણે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવ અંગે દુધઇ પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd