• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

સેન્ટ ઝેવિયર્સ-ભુજની સુપર ઓવરમાં રોમાંચક જીત

ભુજ, તા. 1પ : કચ્છમિત્ર- એન્કર કપનો લીગ મેચનો તબક્કો જેમ-જેમ આગળ ધપી રહ્યો છે, તેમ-તેમ રોમાંચ સર્જી રહ્યો છે. સ્પીડી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આજની બે મેચ પૈકી એક મેચ ટાઈ થયા બાદ ભુજની સેન્ટ ઝેવિયર્સની ટીમે સુપર ઓવરમાં રોમાચંક જીત મેળવી હતી, તો બીજી મેચમાં ભુજની દૂન પબ્લિક સ્કૂલે સાત વિકેટે જીત મેળવી હતી.

ભુજ ઈંગ્લિસ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ-ભુજ વચ્ચે રમાયેલી મેચમાં ભુજ ઈંગ્લિસ ટીમે ટોસ જીતી પહેલે બોલિંગ પસંદ કરી હતી. પહેલાં બેટિંગ કરવા ઊતરેલી સેન્ટ ઝેવિયર્સે આમીર અલીના 36, હેત ગઢવીના 10 રનની મદદથી ટીમે 16 ઓવરમાં 88 રન બનાવ્યા હતા. ભુજ ઈંગ્લિસ તરફથી કિશન આહીરે 10 રન આપી ચાર, તો હરેશ આહીર અને સંજય આહીરે એક-એક વિકેટ ઝડપી હતી. સેન્ટ ઝેવિયર્સના બોલરોએ ચુસ્ત બોલિંગ કરતાં ભુજ ઈંગ્લિસની ટીમ નવ વિકેટે 88 રન બનાવી શકી હતી, જેનાં પગલે આ મેચ ટાઈ થઈ હતી. ભુજ ઈંગ્લિસ તરફથી દક્ષે 18, સ્વરાજ અને જીતે 14 રન બનાવ્યા હતા. સેન્ટ ઝેવિયર્સ તરફથી વીર ગોર અને આમીર અલી ચાકી તેમજ હુસેન ખીરાએ બે-બે વિકેટ ઝડપી હતી. મેચ ટાઈ થતાં સુપર ઓવર રમાડવામાં આવી હતી. ભુજ ઈંગ્લિસે એક ઓવરમાં 13 રન બનાવ્યા હતા. સેન્ટ ઝેવિયર્સની ટીમે એક ઓવરમાં 17 રન બનાવી રોમાંચક જીત મેળવી હતી. વીર ગોરને મેન ઓફ ધ મેચ, તો કિશન આહીરને સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.

બીજી મેચમાં એરફોર્સ-ભુજ અને દૂન પબ્લિક સ્કૂલ-ભુજ વચ્ચે ટક્કર થઈ હતી. ટોસ જીતી પહેલે બેટિંગ કરતાં એરફોર્સની ટીમે 16.2 ઓવરમાં 78 રન બનાવ્યા હતા. દૂન પબ્લિક તરફથી વશિષ્ઠ ગઢવીએ ત્રણ, હસ્તીન મંગરિયાએ બે, તો યુવરાજ ગઢવીએ એક વિકેટ ઝડપી હતી. દૂન પબ્લિક સ્કૂલે 8.2 ઓવરમાં ત્રણ વિકેટે 79 રન બનાવી સાત વિકેટે જીત મેળવી હતી. દૂન તરફથી વિક્રમ આદિત્યે 38 રન અને જેનિલ દરજીએ 26 રન બનાવ્યા હતા. એરફોર્સ તરફથી ધ્રુવીન ઠક્કરે બે અને ક્રિશિવે એક વિકેટ ઝડપી હતી. વશિષ્ઠ ગઢવી મેન ઓફ ધ મેચ અને ધ્રુવીન ઠક્કર સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા. નિકુંજ પિંડોરિયા અને વિનિત વકેરિયા અમ્પાયર અને ઘનશ્યામ વેકરિયા સ્કોરર રહ્યા હતા.

Panchang

dd