• મંગળવાર, 03 માર્ચ, 2026

જ્ઞાન પરંપરાને જાળવવી સૌની સહિયારી ફરજ

ભુજ, તા. 2 : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ અને શ્રી હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. `ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય' વિષય પર આધારિત આ કાર્યક્રમ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ અને પ્રાદેશિક સાહિત્યના અતૂટ સંબંધો પર પ્રકાશ પાડયો હતો. ડો. કાશ્મીરાબેન મહેતાએ સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી સૌને આવકાર્યા હતા. કચ્છના પૂર્વ સાંસદ અને ટ્રસ્ટી પુષ્પદાનભાઈ ગઢવીએ ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, `કચ્છ ભૌતિક, સાહિત્યિક અને આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે સૌએ દીવો બનીને સમાજમાં તેજસ્વી પ્રકાશ ફેલાવવાનો છે.' કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારતીય જ્ઞાન પરંપરાને એક અફાટ દરિયો ગણાવતાં કહ્યું હતું કે, આપણો સાહિત્યિક વારસો આપણને સ્વયંભૂ મળેલો છે અને તેને જાળવવા માટે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલે દુલેરાય કારાણીની જન્મ અને પુણ્યતિથિનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, કચ્છના સમૃદ્ધ સાહિત્ય પર હજુ 20 વર્ષ સુધી સંશોધન થઈ શકે તેટલું ભાથું મોજૂદ છે. ધોરણ-6થી કોલેજ સુધી ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ એ જ્ઞાન પરંપરાના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. પદ્મશ્રી ગૌતમ પટેલે સંસ્કૃત ભાષા અને ભારતીય શાસ્ત્રોની મહત્તા સમજાવતાં એક અત્યંત માર્મિક વાત કરી હતી કે, `ગુજરાત જો ભારતનું કપાળ હોય, તો કચ્છ તેનું ભાલ છે અને ભુજ એ તિલક સમાન છે.' તેમણે ઉમેર્યું કે, સંસ્કૃત એ દૈવી વાણી છે અને ભારતે વિશ્વને શૂન્ય, આલ્ફાબેટ અને પાઈની સાથે ગાયત્રી મંત્ર જેવી બૌદ્ધિક ઉપાસનાની ભેટ આપી છે. પ્રથમ સત્રનું સંચાલન ડો. પંકજ ઠાકરે અને આભારવિધિ ડો. રાજેન્દ્ર બાંભણિયાએ કરી હતી. પ્રથમ બેઠકમાં એસ.પી. યુનિવર્સિટીના ડો. સુધા ચૌહાણ અને એમ.એસ. યુનિવર્સિટીના ડો. દીપેન્દ્રાસિંહ જાડેજાએ અનુક્રમે ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં જ્ઞાન પરંપરાના પ્રદાન વિશે ગહન ચર્ચા કરી હતી. પ્રથમ બેઠકનું સંચાલન નીલુબેન ગોહિલ અને અંજનાબેન રામાનંદીએ કર્યું હતું. જાણીતા સાહિત્યકાર જયંતી જોષી `શબાબ'એ કચ્છી લોકબોલીમાં `પાની સબ મેં એક' વિષય પર અનેક કવિ-લેખકોના અવતરણો દ્વારા દિલની વાતો કરી હતી. બીજી બેઠકનું સંચાલન ડો. ચૈતાલીબેન ઠક્કરે કર્યું હતું. સમાપન સત્રમાં કાનજીભાઈ મહેશ્વરીએ `મામઈ દેવની વાણી' અને ભારતીય જ્ઞાન પરંપરા પર પોતાના અનુભવો રજૂ કર્યા હતા. સમાપન સત્રનું સંચાલન ડો. મેહુલ પટેલે કર્યું હતું. સમગ્ર પરિસંવાદ દરમિયાન કુલ 158 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, જેમાંથી 42 યુવા સંશોધકે ઉત્સાહપૂર્વક શોધપત્ર વાંચન કર્યું હતું. અહેવાલ ડો. રમજાન હસણિયાએ રજૂ કર્યો હતો. સંચાલન ડો. હીનાબેન ગંગર અને ડો. ફાલ્ગુનીબેન પોમલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Panchang

dd