ભુજ, તા. 2 : અહીંના
આરટીઓ રિંગરોડ પર ચાલતી રોડ વિસ્તૃતીકરણની કામગીરી અંતર્ગત કાટમાળનો આડેધડ નિકાલ
કરાતો હોવાનો કચવાટભર્યો સૂર ઊઠયો છે. જાગૃત નાગરિકોના જણાવ્યાનુસાર રોડ
વિસ્તૃતીકરણની કામગીરીમાં જે મલબો નીકળે છે તેનો નિકાલ સર્કલ નજીક બનાવાયેલી
દીવાલની અંદર કરવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે આ કાટમાળ હટાવવાનો થશે ત્યારે
દીવાલ તોડવી પડશે અને પ્રજાના પૈસાનું આંધણ થશે તેવો સૂર જાગૃત નાગરિકોમાં ઊઠી
રહ્યો છે. રોડ વિસ્તૃતીકરણની કામગીરી કરતા તંત્રવાહકો કાટમાળનો યોગ્ય રાહે નિકાલ
લાવે તેવી વ્યવસ્થા ગોઠવે એવી લાગણી વ્યકત કરવામાં આવી રહી છે. વળી આર.ટી.ઓ. રોડથી
શહેરમાં બહારથી આવતા લોકોનો પ્રવેશ હોવાથી આવા પ્રવેશદ્વારવાળા રોડ પર કાટમાળના
ઢગલાથી શહેરની શોભાને પણ આંચ આવે તેમ હોવાથી તાત્કાલિક આ કાટમાળ હટાવી સુશોભિત
કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી હતી.