• મંગળવાર, 03 માર્ચ, 2026

ગાંધીધામની ખન્ના માર્કેટમાં 5.57 લાખનો વેરો ન ભરતાં ગોડાઉન સીલ

ગાંધીધામ, તા. 2 : મહાનગરપાલિકા દ્વારા ખન્ના માર્કેટમાં 5.57 લાખના વેરાની ભરપાઈ ન કરનારાનું ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્રની આ કાર્યવાહીથી આસપાસમાં ફફડાટ ફેલાયો હતો જેના પગલે ચાર બાકીદારે 3.20 લાખનો વેરો સ્થળ ઉપર જ ચેક મારફતે ભરપાઈ કર્યો હતો. 50 કરોડથી વધુનું માગણું છે, તેની સામે અત્યાર સુધીમાં 22 કરોડની આસપાસની વેરા વસૂલાત થઈ છે, ચાલુ નાણાકીય વર્ષના અંતિમ માર્ચ મહિનાના લગભગ 28 દિવસ બાકી છે, ત્યારે લક્ષ્યાંક સુધી પહોંચવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં 60,500થી વધુ મિલકતધારક છે, તે પૈકીના 40,000ની આસપાસના મિલકતધારકે મહાનગરપાલિકાને ટેક્સ ભરપાઈ કર્યો છે અને જે 20,000 મિલકતધારક પાસેથી ટેક્સ વસૂલવાનો બાકી છે, તે પૈકી ઘણી સરકારી સંસ્થાઓ અને અન્ય એકમો છે, જેની ડિમાન્ડનો પ્રશ્ન છે, જ્યારે ઘણા મિલકતધારકો અને માત્ર ચાલુ વર્ષનો ટેક્સ ભરવાનો બાકી છે, જેમની પાસેથી કરોડો રૂપિયા વસૂલવાના છે, તેવા લગભગ 7000થી 10,000 કરદાતા હોવાની સંભાવના છે, તેમાં પણ જેનો 50,000થી વધુનો ટેક્સ બાકી હોય અને એક લાખથી વધુનો વેરો બાકી હોઈ તેવા મોટા બાકીદારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, એ તેમાં મિલકત સીલ કરવાની કાર્યવાહી દરમિયાન ઘણા મોટા કરદાતાઓ દ્વારા વેરો ભરપાઈ કરી દેવામાં આવી રહ્યો છે અને હવે જેમની સામે કાર્યવાહી કરવાની છે. તંત્ર આગામી સમયમાં આવી જ કામગીરી કરવાની છે, કડક કાર્યવાહી કરીને વેરા વસૂલાત કરવામાં આવશે, તેવું જવાબદારો કહી રહ્યા છે. સોમવારે ખન્ના માર્કેટમાં આવેલ પ્લોટ નંબર 60ના ગોડાઉનના જવાબદારોએ મહાનગરપાલિકાને 5,57,843 નો  વેરો ભરપાઈ ન કરતાં વહીવટી તંત્ર દ્વારા નિયમ અનુસાર ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો, જેને પગલે ચાર મોટા બાકીદાર 3.20 લાખનો વેરો સ્થળ ઉપર જ ભરપાઈ કરી ગયા હતા. કરદાતાઓ મહાનગરપાલિકાને ટેક્સ ભરપાઈ નહીં કરે, તો મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રવાહકો દ્વારા જણાવાયું હતું.

Panchang

dd